જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે, તેમ જ્યોતિષ પણ પ્રગતિ કરી રહ્યું છે. ગઈકાલ સુધી અઘરી ગણાતી દશા પદ્ધતિઓની ગણતરી, આજે ક્ષણોમાં કમ્પ્યુટર ગણી આપે છે. તેની સાથે જ જન્મ સમય સુક્ષ્મ રીતે સચોટ મળે છે અને જગ્યાના અક્ષાંશ રેખાંશ પણ એકદમ સચોટ પ્રાપ્ત થાય છે. આ બધાની મદદથી આજે જ્યોતિષની ગણતરી ખુબ સરળ અને સચોટ બની ગઈ છે. જ્યોતિષીઓમાં પણ મોટા બે વર્ગ પડે છે, એક વર્ગ પ્રાચીન સિદ્ધાંતોને જ સર્વોપરી ગણે છે, તેઓ તેમાં કોઈ ક્ષતિ કે સંશોધન, દોહન નથી જોવા માંગતા. બીજો વર્ગ ‘આધુનિક’ વર્ગ છે, આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષમાં અનેક સંશોધન અને નવીનતાને આવકારવા માંગે છે, તેઓ યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટોને પણ જ્યોતિષમાં સ્થાન આપવા માંગે છે. જ્યોતિષીઓનાબંને વર્ગ પોતપોતાની જગ્યાએ બરાબર છે.
જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજી દ્વારા પ્રકાશમાં લવાયેલ અને સંશોધન દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ કે પી એસ્ટ્રોલોજી આજે જ્યોતિષની દુનિયામાં પોતાની આગવી ઓળખ સાબિત કરી ચુક્યું છે. કાળક્રમે આ પદ્ધતિની પાછળ પણ સતત સંશોધન થતું રહ્યું છે. મૂળજ્યોતિષમાં ગ્રહોના રાશિના આધિપત્ય દ્વારા ફલિત કહેવામાં આવે છે, ગ્રહ એક જ ભાવમાં ગમે ત્યાં હોય પરંતુ તેનું ફળ તે ભાવની રાશિના અનુસાર હોય છે. કે પી એસ્ટ્રોલોજીમાં અત્યંત સુક્ષ્મ રીતે ગ્રહનું આકલન કરવામાં આવે છે. દરેક ભાવનું પૃથક્કરણ પણ પ્લેસીડીયસ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જે અત્યંત વૈજ્ઞાનિક અને આધુનિક છે.
પશ્ચિમના જ્યોતિષના ઉત્તમ સિદ્ધાંત અને વેદિક જ્યોતિષના પણ સચોટ સિદ્ધાંતોના તાલમેલ સાથે જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ તેમની પદ્ધતિનો વિકાસ કર્યો હતો. પશ્ચિમના જ્યોતિષ અનુસાર ભાવનો ક્સ્પ ખુબ મહત્વનો છે, આ ક્સ્પ દ્વારા જ જે તે ભાવનું ફલિત કહી શકાય તેમ છે. જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ ભાવના કસ્પ દ્વારા જ ફલિત કહ્યું છે. અનેક સંશોધનના પરિણામે તેમની જ્યોતિષ પદ્ધતિ દ્વારા આજે અનેક જ્યોતિષીઓ જ્યોતિષની સચોટતાનો અનુભવ કરી ચુક્યા છે.
લગભગ બધા જ્યોતિષમિત્રો જાણે છે કે જ્યોતિષમાં પણ બે મોટા સમૂહ છે, ભારતનીઉત્તરે જ્યોતિષમાં રાશિનો ઉપયોગ અને વિકાસ વધુ છે. જયારે દક્ષિણે નક્ષત્ર પદ્ધતિનો વિકાસ વધુ છે. દક્ષિણના જ્યોતિષીઓ નક્ષત્ર વગર જ્યોતિષ નથી જોતા. જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ નક્ષત્રના સચોટ ઉપયોગ દ્વારા આશ્ચર્ય પમાડે તેટલી હદે સચોટ ભવિષ્યવાણીઓ કરી હતી.
કોઈ પણ ગ્રહનું ફળ તેના નક્ષત્રપતિ ગ્રહના ફળ પર જ અવલંબે છે. જેમ કે, કર્ક લગ્નની કુંડળીમાં જો ચંદ્ર શનિના નક્ષત્રમાં હોય તો ચંદ્રનું ફળ તેની દશા અંતર દશાઓમાં શુભ મળતું નથી. કર્ક લગ્નની કુંડળીમાં જો ચંદ્ર મંગળના નક્ષત્રમાં હોય તો ચંદ્રની દશા અંતરદશાઓમાં ચંદ્રનું ફળ ઉત્તમ મળે છે. નક્ષત્ર પદ્ધતિ વડે અત્યંત સૂક્ષ્મતાથી સચોટ રીતે ગ્રહોનું ફળકથન થઇ શકે છે.
જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ સતત સંશોધન દ્વારા જોયું કે નક્ષત્રને પણ જો આગળ ઉપ-નક્ષત્રમાં વહેંચવામાં આવે તો પરિણામ આશ્ચર્યજનક રીતે સચોટ મળે છે. તેઓએ પોતાના આ સંશોધનને ‘સબલોર્ડ’ થીયરી નામ આપ્યું, આ પદ્ધતિને કે.પી.એસ્ટ્રોલોજી તરીકે પ્રચારમાં લાવીને અનેક જ્યોતિષીઓનું માર્ગદર્શન કર્યું. કે.પી.એસ્ટ્રોલોજીનો ઉપયોગ આજે અનેક લોકોગુપ્ત રીતે પણ વ્યવસાય, મેડીકલ વગેરે ક્ષેત્રોમાં કરી રહ્યા છે.
જ્યોતિષનો ઉપયોગ સચોટ ફળકથનમાં વધુ છે, ‘સાચું’ પડે તો જ જ્યોતિષ એ પણ માનવું પડે. કે.પી.એસ્ટ્રોલોજી દ્વારા અનેક જ્યોતિષીઓ સંશોધન તરફ વળી રહ્યા છે, જેની જ્યોતિષમાં ખુબ જ જરૂર છે. જ્યોતિષએ અવલોકનનો વિષય છે. મનમોકળું રાખીને સતત અભ્યાસ કરવો ખુબ જરૂરી છે, તો જ સત્યની નજીક પહોંચી શકાય તેમ છે.