શું વાસ્તુશાસ્ત્રના નિયમો ભ્રષ્ટાચાર દુર કરાવી શકે?

સ્વતંત્ર થવું એટલે શું? જુદા થવું? સ્વચ્છંદી થવું? ધાર્યું કરવું? મુક્ત થવું? પર્યાય તો ઘણા છે. પણ જો સાચો પર્યાય ખબર હોય તો જ આઝાદ થવાય. આપણે વિવધ રીતે વિભાજીત છીએ. વિચારધારા અલગ હોય તો વિભાજન થઇ જાય. પંથ, ભાષા, પ્રાંત, બોલી, જેવી અનેક બાબતો આપણને જોડવામાં બાધક બને છે. તો પછી આપણે જોડાયા શા માટે? અંગ્રેજોએ તો માત્ર ૫૦૦થી વધારે રજવાડાઓને આઝાદ કર્યા હતા. એને ભારતનો આકાર આપવામાં સરદાર પટેલે ખુબ મહેનત કરી. આ કાર્ય એમના સિવાય કોણ કરી શકત? પણ શું આજે પણ આપણે સંપૂર્ણ ભારતીય બની શક્યા છીએ?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મને 87 વરસ પુરા થયા. મેં આઝાદી પહેલાનું અને પછીનું ભારત જોયા છે. આઝાદીનો ઉત્સાહ અનુભવ્યો છે. આઝાદી પછી સગવડો ઓછી હોવા છતા અમે સુખી હતા. અમે સંપન્ન હતા. પણ આસપાસના ઘરોમાં લાઈટ પણ નહતી. એ લોકો ફાનસના અજવાળામાં જીવતા. અને સગડી પર રાંધતા. પણ અમારા એ બધા સાથે ઘર જેવા સંબંધ હતા. એક બીજાને મદદ કરવા બધા તત્પર રહેતા. આવું વાતાવરણ આઝાદી પહેલા પણ હતું. લોકોના મન સ્વચ્છ હતા. એટલે રસ્તાઓ પણ સ્વચ્છ રાખવાની આદત હતી. કોઈનું ખરાબ થતું હોય તો અન્ય લોકો એ ખરાબ માણસને સીધો કરવા મદદ કરતા. ભ્રષ્ટાચાર સાવ ઓછો હતો. શિક્ષકોનો પગાર ઓછો હોવા છતા એ દિલથી ભણાવતા. આવું તો આખી ચોપડી ભરીને લખી શકાય.

મારી પૌત્રી દસમાં ધોરણમાં આવી છે. નવમામાં એને સિત્તેર ટકા આવ્યા. એટલે પ્રિન્સીપાલ એને સ્કુલ બદલવા કહે છે. એમને માત્ર 90 ટકા થી વધારે લાવનારા લોકો જ જોઈએ છે. દસમાં ધોરણમાં વિદ્યાર્થી ક્યાં જાય. અને પહેલેથી જો આટલા ટકાની અપેક્ષા હોય તો માસ્તરો તગડી ફી લીધા પછી પણ નિષ્ફળ કેમ જાય છે? નેવું ટકા લાવવાની જવાબદારી એમની પણ નથી? અમારા સમયમાં તો નાપાસ વિદ્યાર્થીને પણ કોઈ સ્કુલ છોડવા નહોતું કહેતું.

અમારી સોસાયટીમાં ચાર ગ્રુપ છે. એ બધા ધર્મ, જાતી, પ્રાંતના આધારે વિભાજીત છે. અમે કોઈને ભાવ નથી આપતા. દરરોજ ના એમના રાજકારણમાં કોણ સમય બગાડે? પણ એ બધા એવું માને છે કે અમે અન્ય ગ્રુપમાં છીએ. એટલે અમને નીચા દેખાડવા પ્રયત્ન કર્યા કરે છે. દારૂનું વ્યસન આટલું તો વિદેશમાં પણ નહિ હોય. રોજ સોસાયટીના રસ્તા પર દારૂડિયાઓ ફરતા હોય. દારુબંધીને કડક ન બનાવી શકાય? મને કાયમ એક સવાલ થાય છે કે જે લોકો અન્યના બૈરાઓ પર નજર બગાડે છે. એમના ઘરમાં માં, બેન, દીકરીઓ નહિ હોય? અંગ્રેજોના સમયમાં સાવ આવું નહોતું. મારે બહુ બહાર જવાનું નથી થતું. મારી પૌત્રી તમને બહુ માને છે. એટલે મને વિચાર આવ્યો કે તમને કેટલાક સવાલો પુછુ. શું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વિકૃતિઓને ઓછી ન કરી શકાય? શું વાસ્તુશાસ્ત્રમાં કોઈ એવા નિયમો છે કે જે દેશના લોકોને સ્વતંત્રતાનો અર્થ સમજાવી શકે? શું વાસ્તુશાસ્ત્રના નિયમો ભ્રષ્ટાચાર દુર કરાવી શકે? શું વાસ્તુ નિયમો આ દેખાડા વાળા દેશપ્રેમની જગ્યાએ સાચો દેશપ્રેમ જગાડી શકે?

જવાબ: વંદન. આપની વેદના હું અનુભવી શકું છુ. અચાનક જનમાનસમાં કેટલાક નકારાત્મક ફેરફારો થયા છે. આપની સોસાયટીમાં ઉત્તર દિશાના બધાજ પદ નકારાત્મક છે. એટલે ભ્રષ્ટાચાર, લોલુપતા, લુચ્ચાઈ જેવા અનેક દુષણોથી ભરાતી જાય છે. વળી ઈશાનમાં મંદિર હોવું જોઈએ એવી અધુરી માહિતીના આધારે આપની સોસાયટીમાં માત્ર દેખાવ પુરતું મંદિર મૂકી દેવાયું છે. દેવ વિનાનું મંદિર? જેની ઉપર બેસીને લોકો નાસ્તો કરે છે? માત્ર એક મંદિર મુકવાથી સકારાત્મકતા ન આવે.

આપના બધા જ સવાલોના જવાબ હા છે. ભારતીય વાસ્તુ નિયમો સાચે જ ખુબ અદ્ભુત છે. પણ એના માટે પ્રયત્ન કોણ કરશે? હું કહી દઉં અને બધું સકારાત્મક થઇ જાય એવું ન હોય. એ પ્રમાણે કરવું પણ પડે ને? વળી આપની સોસાયટીમાં કોઈપણ  માણસને વાસ્તુની સલાહ માટે બોલાવી લેવાય છે. એટલે એ બધાએ ત્યાં શું કર્યું છે. એ જાણ્યા વિના સલાહ પણ ન જ અપાય.

સમગ્ર વિશ્વમાં કેટલાક સારા તો કેટલાક ખરાબ લોકો હોય છે. તમારી આસપાસ વધારે ખરાબ લોકો રહે છે. જ્યાં સુધી લોક માનસ નહિ બદલાય. ત્યાં સુધી લોકો ગુલામ જ રહેશે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. જો એક નાનકડી સોસાયટીમાં ચાર ગ્રુપ એક બીજાને વેરની નજરે જોતા હોય. તો આખા દેશની સ્થિતિ કેવી હોઈ શકે? આમાં કોઈ નેતા, પાર્ટી કે દેશ જવાબદાર ન ગણી શકાય. આઝાદી કેવી રીતે મળી એની ચર્ચાના બદલે કોના લીધે મળી એની ચર્ચાઓ વધારે થાય ત્યારે વિચાર આવે જ કે ગુલામ કેવી રીતે થયા એ પણ સમજાવવું જરૂરી છે. વિભાજીત માનસ ધરાવતી પ્રજા ક્યારેય દેશને મહાસત્તા ન બનવા દે.

શિક્ષણ એ આપણો મૂળભૂત અધિકાર છે. અમુક દેશોમાં એ વિનામૂલ્યે મળે છે. જો લાખો રૂપિયા ખર્ચીને પણ સ્કુલ નિષ્ફળ જતી હોય તો એ દોષનો ટોપલો વાલી અને વિદ્યાર્થીના માથે ન જ નખાય. જો ફી ભર્યા પછી સારું શિક્ષણ નથી મળતું તો વિરોધ કેમ નથી કરતા? વાલીઓને પણ શાળાને તપાસવાનો હક છે. પણ એમાં પણ ગુલામીનું માનસ છે. યોગ્ય ગુરુ પામવાનો સહુને અધિકાર છે. કોઈ પણ સ્કુલ ઓછા માર્ક આવે તો શાળા છોડવા માટે દબાણ ન કરી શકે.

સુચન: જો ઈશાનમાં સાચી રીતે મંદિર મુકવામાં ન આવ્યું હોય તો એ નકારાત્મક અસર પણ આપી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )