શું શરીર પર પહેરાતા કપડાં વાસ્તુની ઉર્જાને અસર કરી શકે?

રંગમય હોવું અને રંગીલા હોવું એની વચ્ચે ભેદ છે. માણસ કેવો છે એનું મહત્વ છે. માણસે શું પહેર્યું એ એટલું અગત્યનું નથી. ભારતમાં તો નગ્નતા પણ પૂજનીય હતી. માત્ર એ નગ્નતામાં બિભત્સતા ન હોય એ જરૂરી છે. વળી સારું અને ખરાબ એ ભાવ મનમાં જ જાગે છે. ખજૂરાહોના મંદિરની બહારના શિલ્પ ભારતના લોકોને ક્યારેય અલગ ભાવના વાળા લાગ્યા ન હતા. પણ શ્વેત પ્રજાના આગમન બાદ એની ચર્ચાઓ વધી. આમ જોવા જઈએ તો એ શિલ્પકૃતિઓ પણ એક અજાયબી સ્વરૂપ જ ગણાય. પણ ભારતીયો માટે એ સહજતા છે. મનોવિકૃતિ ન હોય ત્યાં સુધી બધું સહજ જ હોય છે. અને સહજતા સકારાત્મકતાની પાયાની સ્થિતિ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ  નીચે દર્શાવેલ ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: વાસ્તુ શાસ્ત્ર અને અન્ડરવેર કોઈ રીતે એક બીજાને અસર કરે ખરા? ઘણા સમયથી મને અમુક રીલ્સ જોવાની ટેવ પડી ગઈ છે. જેમાં એક વ્યક્તિ અન્ડરવેરને વાસ્તુદોષ નિવારણ માટે વિવિધ રીતે વાપરવાની વાત કરે છે. જેમાંથી કેટલીક વાતો હું જાણવું છુ. આમ તો મેં થોડા પ્રયોગ કરી જોયા પણ પૈસાના વેડફાટ સિવાય કશું લાગ્યું નહિ. કોઈએ કહ્યું કે આપને વાસ્તુ અને આર્કીટેક્ચરનું સારું જ્ઞાન છે. એટલે વિચાર આવ્યો કે પૂછી જોઉં.

૧) પતિ પત્નીના અન્ડરવેરને ગાંઠ મારીને નૈરુત્યમાં સંતાડી દેવાથી પતિ અન્ય સ્ત્રીઓ તરફ નજર પણ નથી કરતો. જો પત્નીને કોઈ ગમી જાય તો શું કરવું એના વિષે માહિતી નથી મળતી.

૨) સફેદ અન્ડરવેર પહેરવાથી અગ્નિના દોષનું નિવારણ થાય છે.

૩) કાળી અન્ડરવેર પહેરવાથી નૈરુત્યનો દોષ વધે છે.

૪) ગુલાબી અન્ડરવેર પહેરવાથી ઇશાન દિશા મજબુત થાય છે. પણ પુરુષો માટે ગુલાબી અન્ડરવેર મળતા નથી.

૫) કાણા વાળી અન્ડરવેર પહેરવાથી બ્રહ્મનો દોષ ઉભો થાય છે.

૬) જૂની અન્ડરવેર પીતૃદોષનું કારણ બને છે.

આવી ઘણી બધી રીલ્સ છે. અને એમને લાખો ફોલોઅર્સ પણ છે. જયારે અન્ડરવેર નહિ શોધાઈ હોય ત્યારે વાસ્તુદોષ નિવારણ નહિ થતું હોય? કેટલાક લોકો અન્ડરવેર નહિ પહેરતા હોય એમનું શું થતું હશે? આપની પાસે સાચા જવાબની અપેક્ષા છે.

જવાબ: ઉપવસ્ત્ર અને ઉપ્સંબંધો કોઈને દેખાડવા માટે નથી હોતા. અન્ડરવેર અને વાસ્તુની ઉર્જાને કોઈ સીધો સંબંધ નથી. રીલ્સ જોઇને જીવનલક્ષી નિર્ણયો લેવા એ મૂર્ખતા છે. જેમના જીવનમાં કોઈ ધ્યેય નથી એવા લોકો જ આવી બાબતોમાં સમય વેડફે છે. આપણા દેશમાં રીલ્સ બનાવવા માટે કોઈ લાયકાત નક્કી કરવામાં આવી છે ખરી? કોઈ પણ વ્યક્તિ રીલ્સ બનાવી શકે છે. આવી રીલ્સને લાખો ચાહકો મળી જાય છે એ જ બતાવે છે કે લોકોને શાસ્ત્રો સમજવામાં રસ નથી એમને માત્ર શોર્ટકટ જોઈએ છે. આવા સૂચનોથી અન્ડરવેર ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે. પણ વાસ્તુમાં કોઈ મદદ ન મળી શકે.

આપના સવાલોને એક પછી એક વિચારીએ તો

૧) સવાર સવારમાં અન્ડરવેર ન મળે તો ઝગડો ચોક્કસ થાય. વળી ઘરના નૈરુત્યમાં અન્ડરવેર સંતાડવાની જગ્યા બનાવવી પડે. જ્યાં ધૂળ ભરાય તો નકારાત્મકતા વધે. પુરુષપ્રધાન વિચારધારાથી મનમાં તમને ઉદ્ભવ્યો તેવો સવાલ પણ ઉદ્ભવે. અન્ડરવેર સંતાડવા કરતા એકબીજા પર વિશ્વાસ કેળવો.

૨) ૩) ૪) આપણા દેશમાં ઘરમાં પણ માત્ર અન્ડરવેર પહેરીને ફરવાનું પ્રચલિત નથી. આ વાતને તો રંગોનું શાસ્ત્ર પણ સમર્થન આપતું નથી. આવી વાતો માત્ર ટાઈમ પાસ માટે જ હોય છે.

૫) ૬) પિતૃઓને આવી બાબતમાં ન લાવીએ એ જ યોગ્ય ગણાશે. અને અન્ડરવેરના કાણાને વાસ્તુ સાથે કોઈ સંબંધ નથી.

આપને ગમે તેવી, માફક આવે તેવી, મનગમતા રંગોની અન્ડરવેર પહેરો અને સુખી રહો. રીલ્સ ઓછી જુઓ. અને જો જુઓ તો એને મનોરંજન માનીને ભૂલી જાવ બાકી ઘરમાં જાત જાતની અન્ડરવેર ખૂણે ખાંચરે મળી જાય એવી સ્થિતિ આવી શકે. ભારતીય વાસ્તુ એ ખુબ ઊંડાણપૂર્વક સંસોધનો દ્વારા રચાયેલો વિષય છે.

તમારે હીરો ખરીદવો હોય તો તમે કુંભાર પાસે જશો કે ઝવેરી પાસે? તો પછી વાસ્તુશાસ્ત્ર- જે વિષય જીવનને સમૃદ્ધ બનાવે છે એના માટે આવા અન્ડરવેર નિષ્ણાતની સલાહ શા માટે લ્યો છો. યોગ્ય વ્યક્તિ જ યોગ્ય સલાહ આપી શકે.

સુચન: અન્ડરવેરના આકાર, પ્રકાર, રંગો અને સ્થાનને વાસ્તુશાસ્ત્ર અને એની ઉર્જા સાથે કોઈ જ સંબંધ નથી. વસ્ત્રોનું મૂળભૂત કામ શરીરને બહારના પરિબળોથી બચાવવાનું છે. થોડા સમય માટે પહેરાતી વસ્તુ વાસ્તુની ઉર્જાને અસર ન જ કરી શકે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)