અમદાવાદમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે જોડતી કડી રૂપ સેવા એટલે AMTSની સેવા છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી AMTS વિભાગ નુકશાનમાં ચાલી રહ્યો છે. તેની પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા જે રીતે વહીવટ કરવામાં આવી રહ્યો છે તેના કારણે AMTS સતત નુકશાનીમાં ચાલી રહી છે. તેની પાછળ પગાર, પેન્શન, ફ્યુલ ચાર્જ જેવા અનેક કારણ જવાબદાર છે. પહેલા ચાલુ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં AMTSને રૂપિયા 4,025 કરોડ કરતાં વધુની ખોટ ગઈ છે. કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 માટે એએમટીએસનું બજેટ રૂપિયા 673 કરોડ મંજુર કરવામાં આવ્યું હતું.
આ રીતે 2023-24ના નાણાંકીય વર્ષમાં એએમટીએસને રૂપિયા 541.66 કરોડનો ખર્ચ થયો હતો, જેની સામે રૂપિયા 141.80 કરોડની આવક નોંધાઈ હતી. ત્યારે પગાર ભથ્થામાં સાતમાં પગાર પંચને કારણે રૂપિયા 20.94 કરોડનો ખર્ચ ગયા વર્ષ કરતાં વધી ગયો છે તો પેન્શનમાં પણ ગત નાણાંકીય વર્ષ કરતાં રૂપિયા 14.13 કરોડનો ખર્ચ વધી ગયો છે. બીજી તરફ કન્ટીજન્સી ખર્ચમાં 53 લાખનો વધારો થયો હોવાનું જોવા મળે છે તો એએમટીએસના મકાનોની મરામત અને ભાડા પેટે પણ 1.80 કરોડનો ખર્ચ થયો છે, જેમાં ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે એએમટીએસનો કુલ ખર્ચ રૂપિયા 541.66 કરોડ જેટલો થયો હતો. જેની સામે આવક રૂ. 141.80 કરોડ જેટલી નોંધાઇ હતી. જેને કારણે એએમટીએસને રૂપિયા 399.86 કરોડની ખોટ ગઈ છે. નોંધનીય છે કે ગત 2022-23ના નાણાકીય વર્ષમાં કુલ ખર્ચ રૂપિયા 487.79 કરોડનો થયો હતો. જેની સામે 122.98 કરોડની આવક થઈ હતી. જેને કારણે તે વર્ષે એએમટીએસને 364.80 કરોડની ખોટ ગઈ હતી. આમ, AMTSને આવકની સામે લગભગ બમણો ખર્ચ થઈ રહ્યો છે અને તેના કારણે નુકસાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો આ સિવાય એક મહત્વનું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે સત્તાધીશો દ્વારા સતત અણઘડ વહીવટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સતત નુકસાનીમાં વધારો થઈ રહ્યો છે.