સ્ટેટવાઈડ એક્સેસ ટુ રિમોટ એડજયુડીકેશન સિસ્ટમ(સારસ) પ્રોજેકટના ભાગરૂપે ગુજરાતના ન્યાયતંત્રમાં સૌપ્રથમવાર લાલ દરવાજા અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નના કેસોની વધારાની પાંચ નવી ઓનલાઇન કોર્ટ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદઘાટન તાજેતરમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા વર્ચ્યુઅલી રીતે ગુજરાત હાઈકોર્ટ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ પાંચ નવી ઓનલાઈન કોર્ટ (રિમોટ એડજયુડીકેશન કોર્ટો) શરૂ થતાં હવે દેશના કોઈપણ ખૂણેથી ચેક રિટર્નના કેસનું ઓનલાઈન ફાઈલિંગ થઇ શકશે અને કોઈપણ જગ્યાએથી વકીલ કે પક્ષકારો તેમના કેસો વર્ચ્યુઅલી ચલાવી શકશે.
ચેક રિટર્નના આ ઓનલાઇન કેસો અને રિમોટ એડજયુડીકેશન કોર્ટો માટે અમદાવાદના બે જજીસ ઉપરાંત, આણંદ, ગીર સોમનાથ અને નર્મદા જિલ્લાના ન્યાયાધીશોને કાર્યભાર પણ સોંપી દેવાયો છે. બેંકીગ અને નોન બેંકીંગ ફયનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓના કેસો હવે આ ઓનલાઇન કોર્ટોમાં ચાલશે. વકીલોએ પણ ઇ-ફઇલીંગ કરી વર્ચ્યુઅલી જ કેસો ચલાવવાના રહેશે. ગુજરાત બાર કાઉન્સીલની ફયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમવાર ચેક રિટર્નના કેસોની સુનાવણી અને નિકાલ માટે લાલ દરવાજા, અપનાબજાર બહુમાળી બિલ્ડીંગના છઠ્ઠા માળે આ નવી પાંચ ઓનલાઇન કોર્ટો (રિમોટ એડજયુડીકેશન કોર્ટો) શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલના ઉમદા આશયથી આ નિર્ણય લેવાયો છે, જે બહુ મહત્વનો સાબિત થશે. આ સુવિધા શરુ થવાથી કોર્ટ કાર્યવાહી ઝડપી બનશે સાથોસાથ વકીલ સહિત અસીલોને પણ મોટી રાહત મળશે.
ચેક રિટર્નના કેસોના નિકાલ માટે કુલ 12 કોર્ટ આવેલી છે, જે તમામ અપના બજાર, બહુમાળી બિલ્ડીંગમાં જ કાર્યરત છે. આ સાથે આજથી નવી પાંચ ઓનલાઇન કોર્ટ ઉમેરાતાં હવે ચેક રિટર્નના કેસોની કુલ 17 કોર્ટ ધમધમતી થઇ છે. આ નવી કોર્ટમાં કેસોનું પેપરલેસ ફાઇલિંગ થશે અને વકીલોએ પણ ઈ-ફાઈલિંગ કરવાનું રહેશે. ચેક રિટર્નના કેસોની સુનાવણી પણ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વર્ચ્યુઅલી અને ઓનલાઇન જ હાથ ધરાશે. ટેકનીકલ ખામી કે અન્ય જરૂરી કિસ્સામાં ફિઝિકલી સુનાવણી પણ શકય બનશે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત રાજ્યની જુદી જુદી ચેક રિટર્નના કેસોની કોર્ટમાં લાખો કેસો પેન્ડિંગ બોલાઈ રહ્યા છે, જેમાં એકલા અમદાવાદમાં જ 3.22 લાખથી વધુ કેસો ચેક રિટર્નના ઘણા સમયથી પડતર છે.