અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં બનેલી ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવવામાં જે લોકો નિષ્ફળ નીવડ્યા તેઓને ‘કે કંપની’માં મોકલી દીધા છે. અમદાવાદ શહેરમાં આજે પોલીસ કમિશનર દ્વારા 3 PSI અને 19 જેટલા પોલીસ કર્મચારીઓને એકસાથે ‘કે કંપની’માં મોકલી દેવામાં આવ્યા છે. તદુપરાંત 19 જેટલા પોલીસ કર્મચારીઓ કે, જે ગુનેગારો માટે કુણું વલણ રાખે છે તેમની સામે આજે કડક કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે કડક વલણ અપનાવ્યું છે. તેમાં પણ ખાસ કરીને બાપુનગર વિસ્તારમાં બનેલી જે ઘટના હતી તેમાં પોલીસને શર્મશાર બનવું પડ્યું હતું. આ કારણોસર રાજ્યવ્યાપી અમદાવાદ પોલીસની ઈમેજને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જે લોકો પાસે હતી, તે નબળા સાબિત થયા અને તમામ વિગતો જાણી બાપુનગર વિસ્તારના બે PSI અને ચાંદખેડાના એક PSIની તાત્કાલિક કે કંપનીમાં બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત PCB દ્વારા અલગ-અલગ વિસ્તારમાં રેડ કરીને કાર્યવાહી કરતા તે વિસ્તારના પોલીસ કર્મચારીઓ સામે પણ એક્શન લેવામાં આવ્યા છે. શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના 19 જેટલા પોલીસ કર્મચારીઓની પણ ‘કે કંપની’માં બદલી કરી નાખવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.