નવા વર્ષના પ્રારંભમાં જ કચ્છની ધરા ફરી એક વખત ધણધણી હતી. કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી. 13માંથી 7 આંચકાનું કચ્છમાં એપિસેન્ટર હતું. વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઈ હતી. જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારે પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું.