સુરતઃ શહેર પોલીસે ફરી એક વખત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે પોલીસે નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરી છે. શહેરમાં નકલી ડિગ્રીઓ બનાવી આપનારા ડો. રશેષ ગુજરાતી અને તેના બે સાગરીતોની પણ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે નકલી ડિગ્રીઓ વેચતા ડો.રશેષ ગુજરાતીના ઘરેથી ડોકટરની ડિગ્રીનાં નકલી પ્રમાણપત્રો અને રિન્યુઅલ ફોર્મ પણ કબજે કર્યાં છે. સુરત પોલીસે 1200થી વધુ નકલી ડિગ્રી બનાવીને વેચનાર રશેષ ગુજરાતીનો પર્દાફાશ કર્યો છે.
સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને નકલી તબીબોની ધરપકડ કરી છે. જેમની પૂછપરછ અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, આ દરોડામાં પોલીસની સાથે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીની ટીમ પણ હાજર રહી હતી.
આ કાર્યવાહી અંતર્ગત પોલીસે પાંડેસરા તુલસીધામ સોસાયટીમાં કવિતા ક્લિનિક, ઈશ્વર નગર સોસાયટીમાં શ્રેયાન ક્લિનિક, રણછોડ નગરમાં પ્રિન્સ ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. પોલીસે બિહારના શશિકાંત મહંતોની ધરપકડ કરી હતી, જેઓ બંગાળના સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ દેવનાથને તેમના ક્લિનિકમાંથી રૂ. 55 હજારની કિંમતની ઈલેક્ટ્રો હોમિયોપેથિક દવાઓ, ઈન્જેક્શન, સિરપ અને BEMS ડિગ્રી મળી આવી હતી 210ની કિંમતનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો.
પોલીસે ગુજરાતીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેણે 2002માં સુરતના ગોપીપુર કાનજી મેદાન વિસ્તારમાં ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એ પછી તે કોઈ પણ વ્યક્તિને BEMSમાં ભણવા માટે એડમિશન આપતો હતો અને 75 હજારની ફી વસૂલતો હતો અને એક અઠવાડિયામાં તેને BEMS ડિગ્રીની માર્કશીટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપી દેતો હતો. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવી આપ્યા હતા.