વજુ કોટક અને ચિત્રલેખા | વજુ કોટક ફિલ્મ | સર્જકનો સહવાસ | વિધાતાનો સંકેત | કેમેરાના સથવારે | હું લેખક કેમ બન્યો? | સર્જન વૈવિધ્ય | સંસ્કાર ઘડતર | પત્રકારત્વની આગવી કેડી

ત્રિમૂર્તિ વજુ કોટક - હરકિસન મહેતા

જરા પાછળ જોઈને વીતેલા પાંચ દાયકા પર દૃષ્ટિ કરીએ તો ગુજરાતી પ્રજાને પત્રકારત્વ ક્ષેત્રે અમૃતલાલ શેઠ તથા સામળદાસ ગાંધી જેવા નીડર તંત્રીઓ મળ્યા, નવલકથાના ક્ષેત્રે કનૈયાલાલ મુનશી તથા રમણલાલ વસંતલાલ દેસાઈ જેવા સમર્થ વાર્તાકારો સાંપડ્યા અને વિનોદી સાહિત્યના ક્ષેત્રમાં રમણભાઈ નીલકંઠ તથા જ્યોતીન્દ્ર દવે જેવા વિદ્વાન હાસ્ય લેખકો પ્રાપ્ત થયા, પરંતુ આ ત્રણે ક્ષેત્રના સુભગ સમન્વયનું વરદાન તો એક માત્ર વજુ કોટકની કલમને જ સાંપડ્યું. એને આપણે એક વિરલ ઘટના જ ગણવી રહી. નીડર પત્રકાર સબળ વાર્તાકાર હોય એવા દૃષ્ટાંત છે, પરંતુ તેની કલમને વિનોદ અને વ્યંગ સહજપણે સાધ્ય હોય એવો અપવાદ તો આપણને એક માત્ર વજુ કોટકના સર્જનમાં જ જોવા મળે છે.

1940 પછી દૈનિક વર્તમાનપત્રો રવિવારની સાપ્તાહિક પૂર્તિઓ દ્વારા વિવિધ વાંચન સામગ્રી પીરસવા લાગ્યા ત્યારથી ગુજરાતી ભાષાના સામાજિક-સાહિત્યિક સામયિકો અસ્ત થવા લાગ્યાં અને ફિલ્મ મનોરંજનનાં સાપ્તાહિકો ઝાંખા પડવાં લાગ્યાં એ સંક્રાન્તિકાળે પત્રકારત્વ ક્ષેત્રે વજુભાઈનો પ્રવેશ થયો એને પણ કુદરતનો સુખદ સંકેત જ માનવો જોઈએ.

ફિલ્મ લાઈનમાંથી આવતા હોવાથી પત્રકારત્વના ક્ષેત્રે એમણે પ્રવેશ કર્યો ફિલ્મ સાપ્તાહિક દ્વારા, પરંતુ પ્રારંભ તો કર્યો ધારાવાહી નવલકથાકાર તરીકે! બસ, ત્યાર પછી એમની કલમ, અર્જુનના લક્ષ્યવેધી બાણની જેમ દરેક પ્રકારના લેખનમાં સચોટ મર્મવેધી પુરવાર થઈ અને તેમાંથી જન્મ થયો વાંચન સમૃદ્ધ સાપ્તાહિક ‘ચિત્રલેખા’નો! ગુજરાતી પત્રકારત્વની તવારીખમાં ચિત્રલેખા દ્વારા એમણે કંડારેલી આગવી કેડીએ અનેકને એ માર્ગે અનુસરવા પ્રેર્યા છે, પરંતુ વજુ કોટકની કલમ વિનાની એ યાત્રામાં હજી સુધી કોઈ ફાવ્યા નથી.

નીડરતા એ તો પ્રત્યેક પત્રકાર-તંત્રીનો ધર્મ ગણાય છે. વજુભાઈએ 1950માં ‘ચિત્રલેખા’ની સ્થાપના કરી ત્યારે દેશ આઝાદ થયા પછીનો પ્રજાના ઉત્સાહનો ઊભરો શમવાની શરૂઆત હતી. ગાંધીવાદી નેતાઓનું પોત પ્રકાશવા લાગ્યું હતું. ચિત્રલેખાના એ પ્રથમ દાયકામાં વજુભાઈએ રાજકારણીઓને ઊઘાડા પાડવામાં કોઈની શેહ શરમ રાખી નહીં. રાજકીય અગ્રલેખોમાં એમનો આક્રોશ એવો જલદ રહેતો કે ઘણા એને ઉગ્રલેખ પણ કહેતા. પરંતુ તેની એક વિશિષ્ટતા એ હતી કે હાસ્ય, કટાક્ષ અને વ્યંગ તેમની કલમ માટે સહજ તથા સુલભ હોવાથી એ લખાણ વાંચનારના મર્મસ્થાનને સ્પર્શી જતું. ‘શહેરમાં ફરતાં ફરતાં’ની એમની હાસ્યકટારમાં સામાજિક વિષમતા રજુ કરીને મધ્યમવર્ગની વ્યથા અને ગરીબોની વેદનાને એ વાચા આપતા. એવી જ રીતે રોજબરોજના ઘર સંસારની ખાટી-મીઠી ‘ધોંડુ-પાંડુ’ કટારમાં ઘરનોકરોની વાતચીત દ્વારા હળવાશથી રજૂ કરતા.

માત્ર ગુજરાતી જ નહીં, સમગ્ર અખબારી આલમમાં ભાગ્યે જ કોઈ તંત્રી એવા હશે જેમણે પોતાનું સામયિક પોતાની જ કલમના જોરે ચલાવ્યું હોય અને તેને ઘરઘરમાં લોકપ્રિય પણ બનાવ્યું હોય. વાચકોની રુચિ કેળવવા માટે વજુભાઈ વિવિધ વિષયોને તેમની કલમના સ્પર્શથી સરળ અને સચોટ બનાવી શકવાનું સામર્થ્ય ધરાવતા એ જ તેમની લોકપ્રિયતાનું સબળ પાસું રહ્યું. રમુજી છત્રીપુરાણ હોય કે રેડક્રોસ જેવી સંસ્થાના સ્થાપક જ્યાઁ હેનરી ડુરાન્ટનું પ્રેરક જીવન ચરિત્ર હોય, આયુર્વેદમાં ઘુસી ગયેલું ઊંટવૈદું હોય કે આપણા પુરાણમાં રહેલા વિજ્ઞાનનું મૂળ હોય... એ હિંમતપૂર્વક તર્કબદ્ધ રીતે લખતા અને વાચકોને મંત્રમુગ્ધ કરી દેતા.

ધારાવાહી નવલકથામાં તો એમના સર્વે સમકાલીન લેખકો વચ્ચે એ સદા અગ્રેસર જ રહ્યા. એમની લગભગ બધી નવલકથા ફિલ્મ માટે અગાઉ લખાયેલી કથા-પટકથા આધારિત સર્જાઈ હોવાથી ઘટનાત્મક નાટ્યતત્વ તથા ચોટદાર સંવાદોને કારણે વાચકોને મોહિની લગાડતી. હાસ્યરસ સુસાધ્ય હોવાથી એક માત્ર એમની જ નવલકથાઓમાં વાચકોને ખડખડાટ હસવા મળે છે. સાથોસાથ પાને પાને ચિંતનકણિકા જેવા સંવાદ કે ઉદ્ગાર તો ખરાજ! જો કે ચિંતન મનનના લેખોમાં તો વજુભાઈ ‘પ્રભાતનાં પુષ્પો’ દ્વારા સિદ્ધિના સર્વોચ્ચ શિખરને આંબી ગયા એમ કહ્યા વગર ચાલે નહીં.

કોઈ એમ પૂછે કે વજુ કોટક સાહિત્યના આટલા બધા પ્રકારમાં પારંગત હતા તો પછી એમની કલમ કાવ્યરચનાથી કેમ વંચિત રહી? તેનો જવાબ એટલો જ કે ‘પ્રભાતનાં પુષ્પો’ એ જ તો એમનાં પ્રેરક ગદ્યકાવ્યો છે. પચાસેક વરસ પહેલાં જેના સર્જનની શરૂઆત કરી હતી એ ‘પ્રભાતનાં પુષ્પો’ આજે પણ એટલાં જ સુવાસિત છે અને ચિંતન-સાહિત્યમાં ચિરંજીવ સ્થાન પામે એવા પમરાટનાં પરમ તત્ત્વની તાજગી તેમાં ભરી છે.

ઈ.સ. 1915માં રાજકોટ શહેરમાં જન્મેલા આવા પ્રતિભા સંપન્ન સર્જક વજુ કોટક આજે સદેહે હાજર હોત તો આપણે એમનો અમૃત મહોત્સવ ઉજવવા સદ્ભાગી બન્યા હોત, પરંતુ એ તો વનપ્રવેશના ય સાત વરસ અગાઉ ચિરવિદાય લઈને ચાલ્યા ગયા. છતાં પણ એમના વિપુલ સર્જન દ્વારા તો એ આપણા વચ્ચે અક્ષરદેહે હાજરાહજુર છે અને એટલે જ એમની જન્મભૂમિ રાજકોટમાં ઉજવાતો આ સર્જન મહોત્સવ વિશેષ સૂચક બની રહે છે.

આ પ્રસંગે, એમના વિશાળ અને રસાળ સર્જનની પૃષ્ઠભૂમિમાં રહેલી એમની જીવનદૃષ્ટિ, જીવનદર્શન અને જીવનમંત્રની ઝાંખી કરાવવાનો નમ્ર પ્રયાસ આ પુસ્તિકા દ્વારા કર્યો છે.