એટિટ્યુડ છે તો બધું છે…

થોડા દિવસ પહેલાં વાંચવામાં આવ્યું કે 19 જાન્યુઆરીએ મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમને પચાસ વર્ષ પૂર્ણ થયાં તેની ઉજવણી એ જ સ્ટેડિયમમાં થઈ. આ અવસરે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશને ભારતના દંતકથા સમાન ક્રિકેટર સુનીલ ગાવસકરની પંચોતેરમી વર્ષગાંઠ ઊજવી. યોગાનુયોગ, 23 જાન્યુઆરી, 1975ના રોજ વાનખેડે પર રમાયેલી પહેલી મૅચના ઓપનર સુનીલ ગાવસકર હતા.

હવે 2025માંથી આપણે ભૂતકાળમાં જઈએઃ

લંડનના લૉર્ડ્સ સ્ટેડિયમ પર રમાયેલી 1983ના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે બળવાન ગણાતા વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું તેને એક તુક્કો ગણી લેવામાં આવ્યો, કારણ કે, વેસ્ટ ઈન્ડીઝે 1975 અને 1979ના વર્લ્ડ કપ જીત્યા હતા. વેસ્ટ ઈન્ડીઝના કૅપ્ટન ક્લાઈવ લોઈડને આ પરાજય પચ્યો નહીં. એ જ વર્ષે લૉઈડ પોતાની મજબૂત ટીમ લઈને ભારત આવ્યા. આ પ્રવાસમાં એ પાંચ વન-ડે અને છ ટેસ્ટની સિરીઝ રમવાના હતા. પાંચ વન-ડેની શ્રેણીમાં વિન્ડીઝે ભારતનાં સૂપડાં સાફ કરીને વર્લ્ડ કપના પરાજયનો બદલો લીધો. તે વખતે છાપાંમાં એક શબ્દ ગાજેલોઃ ‘રિવેન્જ સિરીઝ.’ વર્લ્ડ કપમાં હારવા બદલ વેસ્ટ ઈન્ડીઝનો ભારત સામે આ રિવેન્જ એટલે બદલો હતો. તે પછી પહેલી ટેસ્ટ પણ એક ઈનિંગ્સથી આપણે હારી ગયા. અને ટીમના ઓપનર સુનીલ ગાવસકરના દેખાવ સામે સવાલ પેદા થવા લાગ્યા.

અચાનક સુનીલ ગાવસકરે પોતાનું વલણ બદલ્યું. તેઓ ડિફેન્સિવ એટલે કે સાચવી સાચવીને રમતા. હવે એમણે આક્રમક રમવાનો નિર્ણય લીધો. દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર બીજી ટેસ્ટમાં ગાવસકરે 128 બૉલમાં 121 રન બનાવ્યા. એ સમયે ટેસ્ટ મૅચના સંદર્ભમાં ગાવસકરની સ્ટાઈલ તથા એમની એવરેજ જોતાં આ ખૂબ ઝડપી ઈનિંગ્સ હતી, જેમાં ગાવસકરે 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

એટિટ્યુડ અથવા વલણ જો બદલાય તો બધું જ બદલાઈ જતું હોય છે. એટિટ્યુડ બદલતાંની સાથે તમને તમારી અંદર રહેલી એવી વિશેષતા અંગે જાણવા મળે છે, જેના વિશે તમે હજુ સુધી જાણતા ન હતા.

સમુદ્રનાં જળનાં જેટલાં ટીપાં હોય, હવામાં ઓક્સિજનના જેટલા અણુ હોય તેટલા વિચાર મનુષ્યના મગજમાં રમતા હોય છે. યોગ્ય સમયે તેને પકડવા તેનો આધાર આપણા વલણ પર છે. તમારું વલણ કોઈ પણ સ્થિતિને તમારા માટે ફાયદામાં પરિવર્તિત કરી શકે છે. જો તમારું વલણ સાચી દિશામાં હોય તો તમે કોઈ પણ વિચાર કે ઘટનાને પોતાના કે સમાજની ભલાઈ માટે પરિવર્તિત કરી શકો છો.

ફેસબુકની શરૂઆત આ રીતે જ થઈ હતી. અમુક મિત્રોના એક નાનકડા ગ્રુપ માટે ફેસબુક નામનું પ્લેટફોર્મ આજે કેટલું વિશાળ બની ગયું છે. વલણ બધું જ બદલી નાખે છે. તમે વસ્તુને, પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો તે ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે સવારે ઊઠતાંવેંત એવું વિચારવા માંડો કે, આ કામ નહીં થઈ શકે… કેવી રીતે થશે? કોઈની મદદ તો મળશે નહીં… હવે ખબર નહીં શું થશે? વગેરે વગેરે વિચારવા માંડશો તો, દોડવાનું તો છોડો, ધીમી ગતિએ ચાલી પણ નહીં શકો. એટિટ્યુડ તો એવો જ રાખવાનો છે કે, ‘હા આ થઈ શકે છે. હું કરી શકું છું.

એટિટ્યુડનો બીજો મોટો ફાયદો તમારા અંદર રહેલી છૂપી શક્તિ અને પ્રતિભાને બહાર લાવવાનો છે- જો ઉચિત વલણ રાખો તો. આપણી પાસે એવી હજારો ઊર્જાઓ છે, જેનો આપણે સમગ્ર જીવનકાળ દરમિયાન ઉપયોગ કરતા નથી કેમ કે, આપણું વલણ ઉચિત ન હતું.

આપણે જ્યારે કોઈ ઊર્જાવાન વ્યક્તિને જોઈએ છીએ તો ચકિત થઈ જઈએ છીએ. આપણને લાગે છે કે, આ તો સુપર હીરો છે, પરંતુ એ જ ઊર્જા તમારી અંદર પણ છે. કેમ કે ઈશ્વરે આપણને સૌને અસંખ્ય ઊર્જા ભેટ આપી છે. જરૂર છે એ ઊર્જાને યોગ્ય રીતે વાપરવાની.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)