પ્રાણ અને વજન

આજના લેખનું શીર્ષક વાંચીને નવાઈ લાગે !! પણ આજે વાત કરવાના છીએ તમારું વજન ઉતારવાની અથવા તો વજન વધારવાની. તો એના માટે શું કરવાનું? ખાસ કરીને પ્રાણ થી વજન કેવી રીતે વધારી કે ઘટાડી શકાય? ચિંતા ના કરો પૂરી વિગતે વાત જણાવીશ કે શ્વાસ કેવો લેવો, કેટલો લેવો, ક્યારે લેવો?  જે લોકો યોગ કસરત નથી કરી શકતા કે પછી વજનના કારણે અથવા તો આ આળસના કારણે. આ બધા માટેના જુદા જુદા પ્રકારના અભ્યાસ શાસ્ત્રોમાં જણાવ્યા છે.

હવે પ્રાણ સારો કરવા માટે પ્રાણની ક્રિયા કરતાં પહેલા અમુક આસન કરવા જેથી સ્નાયુઓ જે જકડાઇ ગયા છે અને પ્રાણને અંદર જતા અવરોધ ઉત્પન્ન કરે છે તે દૂર થાય. તમને રસ પડે એવી બાબત એ છે કે તમે તમારા ઘરમાં રહી આ બધુ કરી શકશો બીજી જગ્યા એ જવાની જરૂર નથી. તમારા ઘરમાં જ્યાં ખુલ્લી હવા આવતી હોય તેવી બારી કે બાલ્કનીમાં બેસીને જ આ ખાસ પ્રાણાયામ કરી શકો છો. કોઈ મોટી મોટી કસરતો ન થાય તો ચિંતા ન કરો, અઘરી કસરતો ન થાય તો ચિંતા ના કરો. ખાસ કરીને જે વૃદ્ધ, વડીલ છે, સિનિયર સિટીઝન છે તેમણે તો વજન ઉતારવા માટે નો શ્રેષ્ઠ ઉપાય છે. જે બાળકો છે, જે કુમાર અવસ્થામાં છે, જે પ્રૌઢ અવસ્થામાં છે તેણે યોગ અને તે પણ સાધન સાથે યોગ કરવા જ જોઈએ. કારણ કે વજન ઉતારવાની સાથે તેમણે તેમની શક્તિ વધારવાની છે. આંતરિક શક્તિ હશે તો જીવનને માણી શકાશે. નહીંતર પૈસો, શાયબી, સમૃદ્ધિ બધું હોવા છતાં જો પથારીમાં જ પડ્યા રહેવાનું આવે તો બધું જ શું કામનુ? બધું જ વ્યર્થ છે એટલે સાધનો સાથે યોગ અવશ્ય કરવા જોઈએ.

સ્નાયુ મજબૂત થાય છે સાથે સાથે શક્તિ પણ વધે છે. શક્તિનો સંચાર થાય છે. હવે વાત કરીએ શ્વાસની, ક્રિયાની અને આ ક્રિયા કરતા પહેલા તાડાસન, વૃક્ષાસન, ચલિત પવનમુક્તાસન, કટી મંથન, ઉષ્ટ્રાસન એ બધું કર્યા પછી પ્રાણાયામ શરુ કરવા. બીજુ પ્રાણાયામ શરૂ કરતા પહેલા હાથ સીધા રાખી આગળ અને પાછળ તાલી પાડવાની છે. 10 થી લઈને 25 વાર સુધી તમે તાલી પાડી શકો, પણ હાથ સીધા રાખી ને. જમ્યા પછી ત્રણ-સાડા ત્રણ કલાક પછી પ્રાણાયામ થઇ શકે. જમ્યા પછી તરત પ્રાણાયામ ન થાય.

પ્રાણાયામ આ રીતે ક્રમ પ્રમાણે કરી શકાય

(1) ઊંડા શ્વાસ લેવાના છે. ઊંડો શ્વાસ અંદર ભરવો હોય તો શરીર રૂપી પાત્ર ખાલી જોઈએ. એટલે કે શ્વાસ પૂરેપૂરો બહાર નીકળશે તો જ ઊંડો શ્વાસ લઇ શકાશે. એક મિનિટના ચાર શ્વાસ લેવા અને ચાર શ્વાસ કાઢવા. આવુ દસ મિનિટ સુધી કરવુ.

(2) બે મિનિટ short breathing કરવું. ટૂંકો શ્વાસ લેવો અને ટૂંકો શ્વાસ બહાર કાઢવો. આમ બે મિનિટ સુધી કરવું.

(3) પાંચ મિનિટ ફરી પાછા ઊંડા શ્વાસ લેવા.

 

જેવી રીતે જમવામાં મોટા કોળીયા અને નાના-નાના કોળિયા લો ને કેવો ફરક છે ? એના ફાયદા પણ જુદાં જુદાં છે. એવી રીતે શ્વાસ ટૂંકા લો કે શ્વાસ ઊંડા લો એ બંનેના ફાયદા જુદા છે. એટલે ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ મિનિટનો સેટ સવારે પ્રાણાયામ કરવા અને 15 મિનિટ સાંજે પ્રાણાયામ કરવા. પ્રાણ શરીરમાં જવાથી શરીરના અવયવોની કાર્યક્ષમતામાં વધારો કરે છે, એટલે વધારાનો કચરો, ચરબી બહાર કાઢે છે.

દાખલા તરીકે આપણા ઘરમાં નવી કામવાળી આવી હોય તો આપણને ઇમ્પ્રેસ કરવા સોફા નીચેથી સરસ સાવરણી ઘસીને કચરો કાઢે. પણ એ જ કામવાળી જૂની થાય. રોજનું એનું એ જ કામ કરવાનું હોય તો પછી સાવરણી સોફા નીચે ના જાય. પણ એને એક દિવસ એવું કહીએ કે આજે તુ અહીં જમીને જજે તો એના ઉત્સાહમાં વધારો થાય પાછો કામ સારું કરવા લાગે. બસ એવું જ છે આપણા શરીર સાથે રોજ શ્વાસ લઈએ રોજનું કામ થયું, કોઈ ધ્યાન આપણે આપતા જ નથી. હવે એક ધ્યેય સાથે શ્વાસની પ્રક્રિયા કરવાની છે તો તેના ફાયદા વધી જશે. જીવનમાં કોઈ પણ ધ્યેય કે નિયમ સાથે કામ શરૂ કરીએ તો એમાં સફળતા મળે મળે અને મળે જ. અષ્ટાંગ યોગ આ જ શીખવાડે છે. યમ પછીનું પગલું નિયમ છે. સ્વપ્ન પૂર્ણ કરવા હોય કે ધ્યેય સિદ્ધ કરવો હોય – નિયમ ખૂબ જરૂરી છે. શિસ્ત પાળવી જરૂરી છે અને એ અઘરુ નથી. માત્ર એક નિયમ લો. આપણે ક્યાં એક સાથે દસ નીયમ લેવા છે!! અને પાળવા છે! જો એવું કરીશું તો પછી મૂંઝાઇ જઇશું, અટકી જઈશું, ગભરાઈ જઈશું અને કોઈ નિયમ નહી પાળી શકીએ. નિયમિત યોગ કરવાથી જીવનમાં શિસ્ત આપોઆપ આવી જાય છે. એટલે જીવનમાં ધાર્યા કાર્યો થઈ શકે છે.

તો વજન ઉતારવાનું શું મોટી વાત છે ?? બસ એક વાર મનથી સંકલ્પ કરો અને એ સંકલ્પ સિદ્ધ થઈ જશે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)