પ્રકૃતિ, પુરુષ અને યોગ

પર્યાવરણ દિવસની જો સાચી રીતે ઉજવણી કરવી હોય તો પર્યાવરણ શું છે એ સમજવું જોઈએ.પંચમહાભૂત થી બનેલી સૃષ્ટિ અને પંચમહાભૂત થી બનેલું આ શરીર એટલે -આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી. આ ભૌતિક પાંચ દ્રવ્ય છે. હવે પાંચ તન્માત્રાઓ વિશે વાત કરીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.

આ જગત, આ સૃષ્ટિની ઉત્પત્તિ પ્રાચીન ઋષિ મુનિઓના સાંખ્ય મતઅનુસાર ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ અને યોગશાસ્ત્રમાં તેને સ્વીકારેલ છે. પંચમહાભૂતોની ઉત્પત્તિ આ પાંચ તન્માત્રાઓ એક -એક મહાભૂતની જન્મદાતા છે.

સાંખ્યદર્શન મુજબ

  • શબ્દના તન્માત્રા માંથી આકાશ મહાભૂત
  • સ્પર્શ તન્માત્રા માંથી વાયુ મહાભૂત
  • રૂપ તન્માત્રા માંથી તેજ મહાભૂત 
  • રસ તન્માત્રા માંથી જળ મહાભૂત
  • ગંધ તન્માત્રા માંથી પૃથ્વી મહાભૂત ઉત્પન્ન થયા છે.

 

આ પંચમહાભૂતોનો ઉત્પત્તિ ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ આકાશ, તેમાંથી વાયુ, તેમાંથી તેજ (અગ્નિ), તેમાંથી જળ અને છેવટે પૃથ્વી મહાભૂત પેદા થયા. આ પંચ મહાભૂતને સાચવીને જીવીએ તો સાચા અર્થમાં પર્યાવરણ દિવસ ઉજવ્યો કહેવાય. પ્રાણીમાત્રમાં એટલે માનવ, પશુ, વૃક્ષ આદિમાં વધતા-ઓછા અંશે 25 તત્વોનો બાંધો રહેલો છે. 25 તત્વો કયા? કયા ? મન, બુદ્ધિ, અહંકાર, 11 ઇન્દ્રિય, પાંચ તન્માત્રાઓ, પાંચ મહાભૂતો એટલે ચોવીસ તત્વોમાં પ્રાણ ઉમેરાતા તે 25 તત્વોનો બાંધો બને છે. એમ શાસ્ત્રોમાં ઉલ્લેખ થયો છે.

અહીં 11 ઇન્દ્રિયની વાત કરી છે -તમને પ્રશ્ન થાય કે અગિયાર કેવી રીતે? તો જણાવી દઉં – કાન, ત્વચા, આંખ, જીભ નાક, વાચા, હાથ, લિંગ, ગુદા, પગ અને મન. પ્રથમ પાંચ ઈંદ્રિયોને જ્ઞાનેન્દ્રિય અને પછીની પાંચ કર્મેન્દ્રિય કહે છે અને મન ઉભયે ઇન્દ્રિય કહે છે. આની સાચવણી યોગ દ્વારા કઈ રીતે કરવી? તો અષ્ટાંગયોગમાં આઠ પગલાં કહ્યાં છે. આગળના લેખમાં ઉલ્લેખ કર્યો છે યમ, નિયમ પછી આસન અને પ્રાણાયામ આવે છે. પહેલા યમની જાળવણી કરીએ, નિયમની જાળવણી કરીએ. આ બધા મુદ્દાને અનુસરીને જીવન જીવીએ એટલે તમે સાચા અર્થમાં પર્યાવરણ દિવસ ઉજવ્યો કહેવાય. ભગવાન બુદ્ધે કહ્યું છે “બધું જ પ્રમાણમાં સારું“ ત્યારે આપણા જીવનમાં બધું જ પ્રમાણસહ રાખીને જીવીએ તો ક્યાંય પંચમહાભૂતનો દુરુપયોગ ન કરી શકીએ.

આયુર્વેદ વિજ્ઞાને ચિકિત્સા વધુ સરળ બનાવવા માટે પંચમહાભૂતને ત્રણ તત્વોમાં સંક્ષિપ્ત કર્યો છે. બે મહાભૂત જે સમાન ગુણધર્મો ધરાવે છે તેમને બે માંથી એક બનાવી નવું નામ આપ્યું છે. જેમ કે આકાશ અને વાયુ મહાભૂતના સમન્વયને “વાયુદોષ” નામ આપ્યું. જલ અને પૃથ્વી મહાભૂતના સમન્વયને “કાફ દોષ “નામ આપ્યું. અગ્નિને (તેજ)મહાભૂત માંથી “પિત્તદોષ “એવું નામ આપ્યું. આ ત્રણ દોષ શરીરના સ્વાસ્થ્ય માટે આધારભૂત છે. જો આ ત્રણ તત્વો સમતોલ રહે, સપ્રમાણ રહે, તો તંદુરસ્તી અને મન દુરસ્ત રહે છે.

પ્રકૃતિની જેટલા નજીક રહીશું એમ પર્યાવરણને સમજી શકાશે અને એને જાળવી શકાશે. પોતાની જાત માટે સમય કાઢી ધ્યાનમાં બેસીએ એમ આ શરીરને સાચવી શકાશે. ધ્યાનમાં નિયમિત બેસવાથી બીજા ઘણા ફાયદા છે. એમાંનો એક ફાયદો એટલે institutions પાવરફુલ થાય છે. આપણું શરીર આપણી સાથે વાત કરે છે. આપણે એની ભાષા સમજી શકીએ છીએ. જે અયોગ્ય હોય કે તરત અંદરથી અવાજ આવશે અને આપણને અયોગ્ય થતાં અટકાવશે પણ, હવે આપણી પાસે સમય ક્યાં છે? જાત માટે, સૃષ્ટિ માટે, પર્યાવરણ માટે સમય ક્યાં છે? અને એટલે જ માણસને શારીરિક અને માનસિક તકલીફો માંથી પસાર થવું પડે છે. ધ્યાન કરવું એ સર્વ દર્દની એક દવા છે. ધ્યાનમાં જ બધા સવાલોના જવાબ આપોઆપ મળી જાય છે શોધવા નથી પડતા.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]