આ આસનો થકી કરો તમારા મનને શાંત

જીવ માત્રને સ્વસ્થ રહેવું છે, પછી મનુષ્ય હોય,પશુ હોય, કે વનસ્પતિ હોય. કોને બિમારી કે વ્યાધિ સાથે જીવવું ગમે? દરેકને ઈશ્વરે જે સ્થૂળ શરીર આપ્યું છે, તેમ દરેકને મન પણ આપ્યું છે. મન વનસ્પતિનું હોય તો એ પણ પ્રેમ, લાગણી, સંવેદના અનુભવી શકે છે. પ્રાણી કે પશુ હોય તો એનું પણ મન પ્રેમની લાગણી ઝંખે છે. એનાથી વધારે યોગશાસ્ત્રમાં લખ્યું છે કે જો વૃક્ષ કે છોડ ને ધિક્કારીએ કે તેના પર ક્રોધિત થઈએ તો જલ્દી કરમાઇ જાય છે.

માંદા માણસને પ્રેમ, આદર, માન મળે તો જલ્દી સાજો થઈ જાય છે. બધો આધાર મન પર છે. મન જો સ્વસ્થ તો નબળું શરીર જલ્દી સાજુ થઈ જાય. પથારીવશ માણસને આશા જન્માવીએ, હકારાત્મકતા વધારીએ, પોતાનામાં વિશ્વાસ જન્માવીએ તો એ માણસ ચોક્કસ તાજો-માજો થઈ જાય.

અષ્ટાંગ યોગમાં અવરોધ દૂર કરવાના અને નિર્વ્યાજ આનંદ મેળવવાના વિવિધ ઉપાયો ઋષિ પતંજલિ દર્શાવે છે. તેમાં સૌથી ઉત્તમ ચાર ઉપાયો છે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. નિયમિત આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવાથી મન પર ઘણી પ્રભાવશાળી અસરો થતી હોય છે. બહુ જ સરળ આસન જેમકે વૃક્ષાસન, તારાસ્નાન, પર્વતાસન અનુલોમ-વિલોમ, પ્રાણાયામ કરવાથી શરીરની સાથે મન પર પણ સકારાત્મક અસર થતી હોય છે.

 

વૃક્ષાસન – મન વ્યગ્ર હોય તો આ બેલેન્સિંગનું આસન ન થઈ શકે. દીવાલના ટેકે જો વૃક્ષાસન કરીએ તો સરસ રીતે થઈ શકે. વૃક્ષાસન કે તાડાસન બંનેમાં હાથ ઉપર કરી આકાશને આંબવાની વાત છે. ખૂબ Streching કરવાનું હોય છે. શરૂઆતમાં સર્વાઇકલ પર કામ થાય છે અને પછી આખી કરોડરજ્જુ પર કામ થાય છે. એટલે મન જે ચિંતિત છે,  તેમાં બ્રેક પડે, વિચારોના વંટોળ ઓછા થાય પછી આગળ બીજા આસનોમાં મનને શાંત કઈ રીતે કરી શકાય એવા આસન કરવાના હોય છે.

પર્વતાસન- જે આસન ઊભા રહીને કર્યું એવું જ બેસીને કરવાનું આસાન છે. હાથ ઉપર છે, ખેંચાણ ઉપર તરફ આવે છે, અસર એ જ રીતની થાય છે ફરક માત્ર એટલો છે કે પર્વતાસન બેઠા-બેઠા કરવાનું છે. હવે શ્વાસની વાત કરો. શ્વાસ કેવા લેવાય છે એના પરથી વિચારો કેવા હશે એ કહી શકાય અને વિચારો બદલવા હોય તો શ્વાસની પ્રક્રિયા બદલવી પડે. માત્ર શ્વાસ પર ઓછામાં ઓછા 30 દિવસ સુધી ક્રિયા કરવામાં આવે તો મનમાં રહેલી કડવાશ, ગુસ્સો, હતાશા, નિરાશા દૂર થાય છે, અને વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારવાની કળા શીખી શકાય છે. સામેની વ્યક્તિના અભિગમથી વિચાર કરવાની ક્ષમતા કેળવી શકાય છે. આયંગર પદ્ધતિના યોગમાં બદ્ધકોણાસન એક અદ્ભુત આસન છે. જે તકિયા, બેલ્ટ સાથે કરવામાં આવે છે. જેની અસર શરીર રિલેક્સ કરવા માટે થાય છે અને મન પણ શાંત થઇ મનને આનંદની સ્થિતિમાં લાવી શકાય છે.

ચોમાસામાં યોગમાં શું કરી શકાય? ચાલો એના વિશે થોડી વાત કરું. ચોમાસામાં મંદાગ્નિ થવાની શક્યતા હોય છે. કોને મંદાગ્નિ થાય? જે લોકોને ફિઝિકલ કામ એટલે કે શારીરિક શ્રમ ઓછો થતો હોય તેમને મંદાગ્નિ થાય. જે કામ કરે છે તેમને ખાધેલા ખોરાકનું પાચન સારું જ થવાનું છે. એટલે વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે પેટ/આંતરડા નબળા પડતા હોય છે પરંતુ આ વખતે જો પશ્ચિમોત્તાનાસન, સર્પાસન, ઉષ્ટરાસન, વક્રાસન જેવા આસનો કરીએ તો વરસાદમાં ગરમ ગરમ ભજીયા પણ ખાઈ શકાય. આગળના લેખમાં વરસાદી મોસમમાં યોગિક આહાર કેવો હોવો જોઈએ એ વિશે જણાવીશ.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]