શું લાગે છે શારીરિક સ્વાસ્થ્ય વધારે અગત્યનું? કે માનસિક? શારીરિક સ્વાસ્થ્ય સારું હોય તો તમે બધે હરી-ફરી શકો. જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. જીવનમાં જે કોઈ કાર્ય કરવા હોય તે કરી શકો. પરંતુ આ બધું કરી શકવા શરીર સક્ષમ હોય, તો પણ મન જો કાબૂમાં ન હોય – મન ડામાડોળ હોય, મન નબળું હોય, ક્યારેક આ વિચાર તો ક્યારેક બીજા વિચાર આવતા હોય, તો કશું નક્કી ન કરી શકો. ડર, ફોબિયા ભયથી પિડીત હોવ તો – સારું શરીર શું કામનું? તો જીવનમાં કશું જ ન કરી શકાય અને મન મજબૂત રાખવુ હોય તો પેટ – પાચનશક્તિ મજબૂત રાખવી પડે. પેટમાંથી, નાભિમાંથી શક્તિનો સંચાર થાય છે. એવું કહેતા સાંભળ્યા છે કે આજે પેટમાં મજા નથી તો કામમાં જીવ નથી લાગતો અથવા એવું પણ કહે છે આજે પેટ સાફ નથી થયું તો આખો દિવસ બગડ્યો. તો આ શું છે? અને આનાથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય? યોગમાં આ સમસ્યાનો ઉકેલ છે. શરીરમાંથી વધારાનો વાયુ બહાર કાઢવાના ચાર આસનો છે. જે વાયુ અવરોધરૂપ હોય છે, તે વાયુને બહાર કાઢવો જરૂરી હોય છે. તેમાંનું એક આસન એટલે પવનમુક્તાસન. પવનમુક્તાસન બધાથી થઈ શકે. જે નીચે નથી સૂઈ શકતા, તે પોતાની પથારીમાં સૂતા સૂતા પણ આ આસન કરી શકે છે. જેને ઢીંચણ નથી વળતા તે ઢીંચણની ઉપર હાથ રાખવાને બદલે ઢીંચણની અંદર હાથ રાખીને પણ આ આસન કરી શકે છે.
શરીરમાંથી નિકાલ કરવાનું કામ મૂત્રવાહિની (યુરેટર) મૂત્રાશય (યુરીનરી બ્લેડર) અને મૂત્ર નલિકા (યુરેકા) દ્વારા થાય છે. જ્યારે મૂત્રાશયમાં 400 મિલીમીટર જેટલો પેશાબ ભેગો થાય ત્યારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે. જો આ બરાબર કાર્યશીલ હોય તો સોજા ઓછા થાય, બીપી ઓછું થાય, દુખાવા ઓછા થાય, શરીરમાં સ્ફૂર્તિ રહે. એના માટેના ચાર આસનો છે તેમાંનું એક એટલે વિપરિત કરણી. જે કિડની પર કામ કરે છે. પગ ઉપર તરફ હોય અને જો ઉપર પગ ન રાખી શકાતા હોય તો બેલ્ટના સહારે પણ પગ પર રાખી શકાય. વેરીકોઝ વેઇન માટે આ આસન સારું છે. એડીના દુખાવા, પગના ગોઠણના દુખાવા, પગે સોજા આવવા બધા માટે આ આસન સારું છે. નિયમિત રોજ બે મિનિટથી લઈને પાંચ મિનિટ સુધી આ આસનમાં રોકાવાનું હોય છે. ગર્ભવતી સ્ત્રી પણ આ આસન કરી શકે છે.
તમે તમારા પ્રશ્નો અમને જણાવતા રહો અને શારીરિક અને માનસિક રીતે કેવી રીતે સ્વસ્થ રહેવાય એનો ઉકેલ અમે તમને આપતા રહીશું.
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)