યોગમય જીવન જીવવાનો આનંદ

એક પુસ્તક વાંચતા મને આ વાક્ય ખૂબ ગમી ગયેલું  “જગત- એક વીજળીક ઉપકરણોથી ભરેલો રૂમ છે, તેમનો ડહાપણથી ઉપયોગ કરતા શીખવાની જરૂર છે.“

અર્થ બહુ સ્પષ્ટ છે કે જો આ ઉપકરણોનો ઉપયોગ ધ્યાનથી, સજાગતાથી ન કરીએ તો કરંટ લાગે, બ્લાસ્ટ થાય, જાનનું જોખમ પણ થઈ શકે. આ કરંટ કેમ લાગે છે?  આ અચેતન ભૌતિક વસ્તુઓમાં સતત શેની હાજરી હોય છે? જેના કારણે આ વસ્તુઓમાં જાન આવે છે તો એ છે – ઇલેક્ટ્રિસિટી!! જેનો પ્રવાહ સતત હોય છે અને એ પ્રકાશ પણ આપી શકે છે, અંધકારને દૂર કરી શકે છે, અંધારામાં કોઈ વસ્તુ શોધતા હોઈએ, ના મળે મૂંઝાઇએ, અટવાઈએ, પણ જેવો પ્રકાશ આવતા જ બધું સ્પષ્ટપણે જોઇ શકાય છે, વસ્તુ મળી જાય છે, મૂંઝવણ દૂર થાય છે. કયાંય અટવાવાનો પ્રશ્ન જ નથી રહેતો.

અહીં જે એક એક શબ્દ વાપર્યો છે તેને visualise કરશો તો આગળની વાત સહજ રીતે સમજાઈ જશે. એક બીજું ઉદાહરણ આપું. એક છોકરો ગામડેથી શહેરમાં આવ્યો. આર્થિક મુશ્કેલીને કારણે પોતાનો રૂમ ભાડે ન રાખી શકતા તેના મિત્ર સાથે રહેવા લાગ્યો. મિત્રના રૂમમાં ભૌતિક ઉપકરણો વેરવિખેર પડેલા હતા. ટીવી, ફ્રિઝ, રેડીયો, ગ્રામોફોન વગેરે. આ છોકરાએ પહેલાં કદી આ બધું જોયું ન હતું એટલે એ અડીને જોવા ગયો તો એને કરંટ પણ લાગ્યો. મિત્ર નોકરીએથી પાછો આવ્યો એટલે એણે વાત કરી કે આ બધા ઉપકરણોને હું અડીને જોવા ગયો તો અમુકમાં કરંટ લાગ્યો..

મિત્રએ હસીને કીધું કે સમજણ સાથે અડીયે તો ન લાગે. એ એને સમજાવતો ગયો. બગડેલા  ઉપકરણોને કેવી રીતે રીપેર કરીએ તો એ પાછા પોતાનું કાર્ય બરાબર કરતા થઈ જાય. દિવસો પસાર થયા અને એ છોકરો શીખી ગયો કે કયો વાયર ક્યાં જોડવાથી રેડીયો વાગે, ટીવી ચાલુ થાય વિગેરે વિગેરે. હવે એને ક્યાંય કરંટ નહોતો લાગતો.

બસ વાત અહીં પૂરી થાય છે. યોગ આપણને શીખવાડે છે કે ક્યાં કયો વાયર જોડવાથી સમજણ સાથે જીવવાથી યોગમય જીવન જીવી શકાય.

યોગ માત્ર આસન પ્રાણાયામ નથી એ હું હંમેશા કહેતી આવી છું. આસન એ માત્ર કસરત નથી. તેના અભ્યાસથી સાધક સૌથી પહેલા તો તંદુરસ્તી મેળવે છે. તંદુરસ્તી એટલે “જીવવું “ એટલો જ એનો અર્થ નથી. તંદુરસ્તી પૈસાથી ખરીદી શકાય એવી વસ્તુ નથી. પરંતુ ખૂબ જ પ્રેમથી મેળવવાની સમૃદ્ધિ છે. શરીર, મન, બુદ્ધિ અને આત્માની સ્વસ્થતા એટલે તંદુરસ્તી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય.

યોગાભ્યાસ આપણને શીખવાડે છે કે આપણું વર્તન કેવું હોવું જોઈએ, આપણી વાણી કેવી હોવી જોઈએ, આપણા વિચારો કેવા હોવા જોઈએ, કેવી રીતે જીવનમાં આગળ વધવું જોઇએ, ક્યારે  ક્રોધ કરવો, ક્યારે પ્રેમ કરવો, આપણી ફરજો શું છે? આપણા કર્તવ્ય શું છે? આ બધું ખબર પડી જાય તો ચોક્કસ સુમધુર વાગતો રેડીયો બધાને ગમવા લાગે. આપણું જીવન પણ એવું જ થઈ જાય. બધા સાથે સુમેળભર્યું વર્તન કરીને સતત નિર્મળ આનંદથી તરબોળ રહી શકાય છે. 

ઉદાહરણ તરીકે, માતા-પિતાએ બરાબર વિચારીને જીવનનું એક નવું પ્રકરણ શરુ કરવું. વાજિંત્રોના વાયર બરાબર કનેક્ટ કરવા પડે તો વાજિંત્ર સુમધુર સંગીત રેલાવી શકે એવી રીતે માતા-પિતાએ વિચારવું પડે કે કેમ બાળક જોઈએ છે? કેવું બાળક જોઈએ છે? જેમ ગાડીનું કોઈ યંત્ર બગડે તો એ રિપેર કરતા આવડતુ હોય તો તેનું સમારકામ કરી તરત પૂર ઝડપે ગાડી હંકારી શકો તેમ બાળક આવતા પહેલા માતા-પિતાને તેમની ફરજો અને કર્તવ્યનું ભાન હોવું જોઈએ જેથી સર્વશ્રેષ્ઠ ગુણવાળું બાળક ઉછેરી શકે. યોગસૂત્રમાં લખ્યું છે કે જો કોઈ પોતાની ફરજ ચૂકે છે અને કર્તવ્યનું પાલન નથી કરતા તો સંબંધો પર તેની માઠી અસર પડે છે.

યોગસૂત્રમાં દર્શાવ્યું છે કે કયારે ઇન્દ્રિયો પર અંકુશ લાવવો, ક્યારે ચિત્તવૃત્તિના અવરોધોને દૂર કરવા, કેવી રીતે કરવા. જેમ કે, પત્નીની ફરજ છે કે ઘરમાં રસોઈનું ધ્યાન રાખવું, સ્વાદિષ્ટ ભોજન અપાય, વડીલોનું ધ્યાન રાખવું, બાળકોને સારી રીતે ઉછેરવા. (અહીં મેં આ બધા કામો પતિની ફરજમાં નથી આવતા એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી માટે ગેરસમજ ઉભી કરવી નહીં 😀) પરંતુ જો ઘરની સ્ત્રી રસોઈ પ્રત્યે બેપરવા હોય, વડીલોનું અપમાન કરતી હોય, બાળકોના ઉછેરમાં સહેજ પણ ધ્યાન ના આપતી હોય, માત્ર પોતાનું જ સ્વાર્થસભર જીવન જીવતી હોય તો એ ઘરમાં સુખ-શાંતિ કેવી રીતે આવી શકે?  

માનડૂકય ઉપનિષદ કહે છે કે “શક્તિ વિના આત્માની સાધી શકાતી નથી, બુદ્ધિ વિના તે પ્રાપ્ત થતો નથી, અને ધ્યેય વિના તે મળતો નથી.” પકવ્યા વિનાનો માટીનો ઘડો પાણીમાં પીગળી જાય છે તેમ શરીરનો નાશ થાય છે.  શરીરને યોગના અગ્નિમાં તપાવીને શુદ્ધ અને મજબૂત કરવું જોઇએ. કોઇ વાજિંત્રમાં એક તાર બગડે તો ક્યારેક તેને સમારકામ કરી ચાલુ કરી શકાય, પરંતુ ક્યારેક તે કાઢી પણ નાખવો પડે. એવી રીતે જીવનમાં ઘરની કોઈ વ્યક્તિ એની ફરજ ચૂકે તો સમજાવીને ગાડી પાટા પર લાવી શકાય. કયારેક એ અવગુણને ignore કરવો પડે. યોગ ચૂપ રહેતા પણ શીખવાડે છે અને એ સમજણ પણ શીખવાડે છે કે ધીરજથી કામ લઈ શકાય.

આસનોના નામ પણ અર્થસભર છે. જેમ કે, વૃક્ષાસન એટલે વૃક્ષની જેમ અડગ ઊભા રહેવું. ટાઢ, તડકો વિગેરેમાં વૃક્ષ ઊભું હોય તેમ જીવનમાં આવતા તડકા છાયામાં નિરાશ-હતાશ થયા વગર અડગ રહી આપણું કાર્ય કર્યે જવું. 

લેખની શરૂઆતમાં કહયું એમ જગત એક વીજળી ઉપકરણોથી ભરેલો રૂમ છે તેમનો ડહાપણથી ઉપયોગ કરતા શીખવાની જરૂર છે. દરેક પોતાનું સંગીત વગાડે પણ બીજા સાથે સૂર અને લયમાં હોય તો સંગીત બેસૂરું ના લાગે એવી જ રીતે દરરોજ યોગ કરતા હોઈએ તો જીવન સુમેળથી સારી રીતે જીવી શકાય.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)