વિચારોના વાવાઝોડાંને શાંત પાડવા પ્રાણાયામ જરૂરી

એક ગરીબ વ્યક્તિ રસ્તા પર ચાલતો ચાલતો જતો હતો ઉનાળાનો સમય હતો તડકો ખૂબ હતો સડક ગરમ હતી અને એની પાસે પહેરવા માટે ચંપલ પણ નહતા. એટલામાં બાજુમાંથી એક રાજકુમાર ઘોડા પર પસાર થયો રાજકુમારે પગમાં મોજડી પહેરી હતી. આ માણસને વિચાર આવ્યો કે ભગવાન આ તે તમારો કેવો ન્યાય? હું ચાલુ છું મને દઝાય છે ને મારી પાસે ચંપલ પણ નથી અને પહેલા રાજકુમાર ઘોડા પર છે તો પણ એની પાસે પગમાં મોજડી આપી.

આ વિચારો સાથે તે મંદિરે ગયો, ભગવાનને નમસ્કાર કરી ફરિયાદ કરી અને મનમાં ફરિયાદો એક પછી એક ચાલુ રાખી. હવે મંદિરમાંથી પાછા વળ્યા મંદિરના પગથિયા ધીમે ધીમે ઉતરતા હતા અને ત્યાં સામે એમણે ઝાડ નીચે એક ભિખારી બેઠેલો જોયો એ ભિખારીના બંને પગ નહોતા. એ જોઇને તરત જ વ્યક્તિ પાછો ફર્યો મંદિરના પગથીયા ચડી ગયો અને ઈશ્વરની સામે દંડવત પ્રણામ કરીને માફી માંગે છે. મને માફ કરો મેં ફરિયાદ કરી કે મારી પાસે પહેરવા માટે ચંપલ નથી પણ હું ભૂલી ગયો કે મને બે પગ તો આપ્યા છે. હવે હું મહેનત કરીશ અને ચંપલ કમાઈશ. મને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી. વાર્તા અહીં પૂરી થાય છે.

આપણે જીવનમાં કેટલીક ફરિયાદો, દ્વેષ, અપરાધની ભાવના અને ક્રોધ લઈને ફરીએ છીએ. મન પર કેટલો બધો ભાર રાખીએ છીએ. આ બધામાંથી છુટકારો જોઈતો હોય તો આયંગર યોગ કરવા જોઈએ. આયંગર યોગ સાધનો સાથે  કરવાથી વધારે ફાયદો મળે છે. શરીર અને મન સાથે વધારે સારું કામ કરી શકાય છે.

મનની સ્થિતિ અને મનના વિચારો બદલવા માટે આસનો કરવા હોય તો સૌથી પહેલાં બેકવર્ડબેન્ડીંગના આસનો આવે. કૌચાસન, ધનુરાસન, વિપરીત દંડાસન, ચક્રાસન અને જો પ્રાણાયામની વાત કરવાની હોય તો જેટલો શ્વાસ લઈએ છીએ એના કરતાં વધારે શ્વાસ બહાર કાઢવો જોઈએ. એટલે ઇનહેલ કરતા વધારે એક્સેલ હોવું જોઈએ. શ્વાસ ખાલી થવાની વાત છે ખાલી થઈશું તો વધારે શ્વાસ ભરી શકાશે અને મન હળવું થશે. તમે જોયું હશે કે જ્યારે આપણે દુઃખી હોઈ એ ગુસ્સામાં હોઈએ ત્યારે શ્વાસ ટૂંકા થઈ જતા હશે. એ વખતે ઉંડા શ્વાસ લઈ જ નહીં શકાય પરંતુ એ વખતે જો શ્વવાસ વધારે બહાર કાઢીએ તો ખાલી થવાય, જગ્યા થાય અને એટલે ઊંડો શ્વાસ લઈ શકાય.

આંતર કુંભ કરતાં બાહ્ય કુંભક કરીએ એ વધારે લાભદાયી છે. દાખલા તરીકે બગીચામાં પાણી છાંટતા હોય તમે ટ્યુબ નળ સાથે જોડી દીધી છે ટ્યુબનો બીજો છેડો હાથમાં પકડી પાણી છાંટવા માંડ્યું. પણ ટ્યુબની અંદર લીલ બાજી ગઈ છે, કચરો ભરાયો છે તે કાઢવા માટે તમે ટ્યુબને વાળશો એટલે પાણી બહારના નીકળશે. પણ સામે નળ તો ચાલુ જ છે  ટ્યુબ વાળી હોવાથી પાણી બહાર નથી નીકળતું. તો પછી શું થોડી મીનીટો ટ્યુબ વાળેલી રાખીને હાથ છોડી દેશો એટલે ફોર્સ સાથે અંદર રહેલો કચરો તરત બહાર ફેંકાઇ જશે ને ટ્યુબ સાફ થઈ જશે. આ જ વસ્તુ બાહ્ય કુંભક સાથે થાય છે. શ્વાસની સીધી અસર મન સાથે છે, મન બગડે તો શ્વાસની રીધમ ખોરવાઈ અને જો શ્વાસ ટુંકા લેશો તો મન બગડશે. નકારાત્મક વિચારોમાં સકારાત્મક્તા લાવવી હોય તો જેટલો શ્વાસ લો છો એના કરતાં વધારે શ્વાસ બહાર કાઢો. શ્વાસની ક્રિયાથી વિચારોની ગતિ ધીમી પડશે અને વિચારો ઓછા થતાં એક ક્લિયારીટી આવશેને સાચી વિચારસરણી કેળવાશે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)