જીવન જીવવાની ચાવી એટલે યોગ

શું યોગ શરીરના દુખાવા મટાડવા માટે છે? ના

શું યોગ માનસિક તણાવ દૂર કરવા માટે છે? ના

શું યોગ પાચન સુધારવા માટે છે? ના

શું યોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે? ના

તો યોગ શું છે? શેના માટે છે?

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ યોગનો આટલો બધો ઉલ્લેખ થયો છે,  તેનો સાચો અર્થ છે આત્મા અને પરમાત્માનું મિલન-જોડાણ.

આપણે બધા સંસારી લોકો એટલી બધી જવાબદારી, કેટલા બધા કર્તવ્યો, કેટલી બધી ઈચ્છાઓ, કેટલી બધી તકલીફોથી ધેરાયેલા છીએ. આ બધામાં શરીર અને મન સારું હશે તો બધું કામ  શાંતિથી થશે. યોગશાસ્ત્રમાં આપણો વ્યવહાર,વિચારો, આદતો અને ઇન્દ્રિયોને કાબૂમાં કેવી રીતે રાખવી,આ બધું જ લખ્યું છે. ઋષિ પતંજલિએ ખુબ સુંદર રીતે યમ-નિયમ, પ્રત્યાહાર,ધારણા, ધ્યાન અને સમાધિ વિશે સમજાવ્યું છે. આસન,પ્રાણાયામ તો ત્રીજા અને ચોથા પગથિયે છે. પહેલા સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, ઇશ્વરપ્રણીધાન, શૌચ, સંતોષ ઉપર વધારે ભાર મૂક્યો છે.

જેવી રીતે ઘરમાં કોઈ વસ્તુ નવી લાવીએ અને એની સાથે એ વસ્તુ વાપરવી કેવી રીતે એની પુસ્તિકા આવે છે એ જોઈને આપણે વસ્તુનો વપરાશ કરીએ છીએ. એવી જ રીતે યોગશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ એ શીખવે છે. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ગાઈડ આવતી હતી. જેમાં પાઠ્યપુસ્તકોમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ ગાઈડ હોય. જોકે ગાઈડ વાપરતા શરમ અને સંકોચ થતો હતો. પણ એનો ઉપયોગ કરવાથી પરીક્ષામાં સારા ગુણ આવતા.

હવે આપણે મોટા થઈ ગયા એટલે જીવનના પુસ્તકમાં પ્રશ્નો પણ જુદા અને મોટા આવે. પરંતુ જો તમે યોગ કરતા હોવ કે ભગવદ્ ગીતાનું પઠન કરતા હોવ તો જીવનના પ્રશ્નોના જવાબ મળી જશે. તો બીજું શું જોઈએ. જીવનમાં પ્રશ્નો તો આવવાના, તકલીફો આવવાની જ પણ આપણી પાસે માર્ગદર્શિકા પણ છે. તો ચિંતા નથી કરવાની જે લોકો આ માર્ગદર્શિકાનો ઉપયોગ નથી કરતા તે લોકો તણાવ, ડિપ્રેશન, હતાશામાં ઘેરાય જાય છે. અને પછી એમાંથી બહાર નીકળતા ખૂબ વાર લાગે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક નિયમ લઇએ જે આપણા હિતમાં છે. રોજ 30થી 45 મિનિટ યોગ કરીશું, જે શરીર અને મન પર કામ કરે છે. તમારી કોઈ પણ શારીરિક કે માનસિક તકલીફ હોય કે મૂંઝવણ હોય તો અમારો સંપર્ક સાધી શકો છો. તકલીફને અનુસાર બે આસન, બે પ્રાણાયમ બતાવીશું અને તમને એમાં રાહત મળશે.

શરીરમાં તકલીફ હોય પરંતુ જો મનોબળ મજબૂત હોય તો શારીરિક તકલીફ ઇગનોર કરી શકાય અને ઈશ્વરપ્રણિધાનનો સ્વભાવ કેળવી, ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય. ત્યારે આત્મા અને પરમાત્માનો મિલન થઈ શકે. આધ્યાત્મિકતાને રસ્તે આગળ વધી શકાય. મનોબળ એટલું મજબૂત થાય કે પોતાની જાત સાથે કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય અને તો જ બીજાને મદદરૂપ થઈ શકીએ. મનુષ્યજીવન એકલા પોતાના માટે જીવવા નથી આપ્યો.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)