શતમ્ જીવેમ્ શરદઃ “સારા સ્વાસ્થ્ય સાથે 100 વર્ષ જીવો”

શતમ્ જીવેમ્ શરદઃ આ વાક્ય તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે. ગુરુજનો, સાધુ-સંતો, વડીલો પુરા જુસ્સાથી ઉત્સાહથી આ વાક્ય બોલી આપણને આશીર્વાદ આપતા. આનો અર્થ શું? “સારા સ્વાસ્થ્ય સાથે 100 વર્ષ જીવો” કેમ એવું કહે, કેમ શરદઃ શબ્દ કીધો? કારતક કે પોષ મહિનો કેમ ન કીધો? કારણ કે શરદ ઋતુ ચોમાસા પછી તરત આવે એટલે એવું કહેવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં શરદઋતુ આવે.

ચોમાસા પછી વરસાદી વાદળા ખસી જતા સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા આ ઋતુમાં સવાર, બપોર ગરમી હોય ને સાંજે ને રાત્રે ઠંડક હોય. આ બે તાપમાન વચ્ચેનો તફાવત હવાજન્ય રોગો  (વાયરલ તેમજ બેકટેરિયા) ને જન્મ આપે છે. સૂર્યના કિરણો શરીરના પિત્તને (ગરમી) વધારે છે. આના કારણે શરીરમાં એસિડ અને પિત્ત વધુ પડતું વધી જાય છે. જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એટલે જ પાનખર ઋતુની શરૂઆતના સમયમાં લોકોને વધારે ચેપ લાગી જતો હોય છે. પછી એ ચેપ શરદી ઉધરસનો હોય,  સ્કીન પ્રોબ્લેમનો હોય, આંખો આવવી, કારણ કે મૂળ રોગ પ્રતિકારક શક્તિ જ ઘટી ગઈ છે. અંદરથી બેક્ટેરિયાની સામે લડત આપી શકે એવી તાકાત જ ઓછી થઈ જાય છે એટલે બહારના જીવાણુઓ આપણા પર હુમલો કરે.

તો આવી ઋતુમાં કયા આસન પ્રાણાયામ કરવા, કયો ખોરાક લેવો. આપણા સદભાગ્યે આપણા તહેવારો જ આપણને બચાવે છે. દા.ત :- શ્રાધ પક્ષના 15 દિવસ તો એ વખતે પૂર્વજોના શ્રાદ્ધનું તર્પણ કરીએ છીએ. ખાસ કરીને ખાદ્ય પદાર્થો દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ચોખાની ખીર, ઘી ના લાડુ, તો આ બધું પિત્ત દોષ અથવા આપણા શરીરના એસિડ સ્તરને સંતુલિત કરે છે. એના પછી નવરાત્રિની આવે એટલે નવરાત્રિ દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસ કરે છે અથવા એક ટાણું જમે, એનાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે. બીજું શરીરને મહત્વપૂર્ણ પોષક તત્વો રાજગરો, સામો, સાબુદાણા, ખાવાથી મળી રહે છે. અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. પછી આવે છે શરદપૂનમ, જેમાં દૂધ પૌવા ખાવાનો રિવાજ છે. કારણ કે દૂધ પૌવા ચાંદનીના પ્રકાશમાં મુકેલા હોય એ પિત્તદોષનું સમન કરે છે.

હવે વાત કરીએ યોગની તો આ ઋતુમાં ભુજંગાસન શિત્કારી સાથે, જમણા પડખે વધારે સુવું. ચંદ્રભેદન પ્રાણાયામ, શિત્કારી પ્રાણાયામ, સર્વાંગાસન, મત્સ્યાસન, વિપરીત દંડાસન યોગની ખુરશી પર કરવામાં આવે તો અસરકારકતા વધી જતી હોય છે.

આ ઋતુમાં કયા યોગ ન કરવા?

વધારે પડતા સૂર્યનમસ્કાર, ભ્રસ્તિકા પ્રાણાયામ, વધુ ઝડપી હઠયોગના આસનો પણ ન કરવા જોઈએ. જેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું વધી જાય તેવા આસનો ન કરવા જોઈએ. ઘણાને એવું પણ થયું છે કે આ ઋતુમાં સૂર્ય નમસ્કાર વધારે કર્યા તો ત્વચા કાળી પડતી ગઈ. એટલે વ્યક્તિની પ્રકૃતિ, ઋતુ અને વ્યક્તિની તકલીફો સમજી યોગ કરવા જોઈએ.

આ બધા યોગની સાથે શરદઋતુ પહેલાને શરદઋતુ પછી શંખપ્રક્ષાલન કરવું જોઈએ. એ પણ 5 દિવસીય કાર્યક્રમ જેમાં 2 દિવસ ઔષધીનું પાણી પીવાનું, જેનાથી આંતરડામાં ભરેલું INDIGESTIVE અન્નના કણો, અપચો છૂટો પડે. એક દિવસ શુદ્ધ ગાયનું ઘી પીવાનું. પછી અભ્યંગ સ્વેદન કરાવી પછીના દિવસે શંખપ્રક્ષાલન કરવામાં આવે તો સાચી રીતે અને અસરકારક શુદ્ધિકરણ થાય.

આ લેખનું શીર્ષક એ જ કહે છે જો શરદ ઋતુમાં તમે નિરોગી રહ્યા તો સ્વસ્થ જીવન જીવી શકાય.

એટલે જ શતમ્ જીવેમ્ શરદઃ સો વર્ષની શરદઋતુ સ્વસ્થ રીતે જીવો એટલે આશિર્વાદ આપતા આ વાક્ય કહેવાય છે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]