મનને તૈયાર કરવા શ્વાસ પર નિયંત્રણ જરૂરી

યોગ એ જીવન જીવવાની શૈલી શીખવાડે છે. જીવન કેવી રીતે જીવવું જોઇએ એની બધી રીતો યોગસૂત્રમાં વર્ણવેલી છે.  પ્રાણાયમ ધ્યાન કરવાથી મનુષ્ય જીવનને સાર્થક કઈ રીતે કરવું એની સમજણ અંતઃસ્ફુર્ણા થાય છે. અંદરથી એક અવાજ આવે જે આપણને સાચી સમજણ આપે, આપણું ધ્યાન દોરે, આપણને ચેતવે, આપણ ને સુધારે. પણ ઘણીવાર મનુષ્ય સંસારની માયા જાળમાં એવો ફસાયેલો હોય છે કે એ પોતાની અંતઃસ્ફુરણા સાંભળી નથી શકતો, અથવા ગણકારતો નથી. એટલે જીવનમાં વધારે દુઃખી થાય છે.

શ્રીમદ્ભગવદ ના છઠ્ઠા અધ્યાયમાં સ્પષ્ટ લખ્યું છે કે આસન કેવું હોવું જોઈએ? આસન ક્યાં પાથરવુ જોઈએ? આસન પાથરીને આજુબાજુની જગ્યા/વાતાવરણ કેવું હોવું જોઇએ? અને પછી એ આસન પર બિરાજમાન થઈને શું કરવાથી શું પ્રાપ્ત થાય તે જણાવ્યું છે.

शुचौदेशेप्रतिष्ठाप्यस्थिरमासनमात्मनः ।

नात्युच्छ्रितंनातिनीचंचैलाजिनकुशोत्तरम् ।।११।।

तत्रैकाग्रंमनःकृत्वायतचित्तेन्द्रियक्रियः।

उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये।।१२।।

અર્થાત :- પવિત્ર સ્થાનમાં અત્યંત ઓછું નહીં અત્યંત નીચું નહીં તેવું સ્થિર શાસન સ્થાપિત કરી તેની ઉપર વસ્ત્રઅમૃત, મૃગચર્મ અને દર્ભ એકની ઉપર એક એમ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓ મનને એકાગ્ર કરી આત્મશુદ્ધિ માટે યોગની સાધના કરે.

જ્યારે અધ્યાય 18 માં જીવનમાં કેવા કર્મ કરવા જોઈએ? ઇન્દ્રિયોને કેવી રીતે વશમાં રાખવી જોઈએ? એની વાત કરી છે.

કોઈપણ એક આસનમાં રોકાઈએ, ઊંડા શ્વાસ લઈએ અને એની અસર માત્ર શરીરના સ્નાયુઓ, માંસપેશીઓ કે અવયવોને જ થાય છે એવું નથી પરંતુ એક આસનમાં વધારે વાર રોકાઈને ઊંડા શ્વાસ લઈએ તો મન પર પણ સારી અસર થાય છે. મનોબળ મજબૂત થાય છે. મનમાં નકારાત્મક વિચારો ચાલતા હોય તો હકારાત્મક વિચારો પણ આવી જાય છે. મન કેળવાય અને સુખ-સમૃદ્ધિ વધે.

જીવન બધાને સારું જોઈએ છે. સફળતા એને મળે જે સફળતા મેળવવા માટે કાર્ય કરે, વિચાર આચરણમાં મૂકે, ખાલી બેસી રહીને સ્વપ્નમાં યોજના ઘડવા થી કાંઈ ના થાય. આશા, અરમાન અને ઇચ્છાઓથી જીવન પસાર ન કરવું જોઈએ. જીવનમાં “just do it” એવો અભિગમ વાપરવો જોઈએ.‌ યોગશાસ્ત્રમાં કીધું છે કે મનને તૈયાર કરવા માટે શ્વાસ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અને શ્વાસ પર નિયંત્રણ રાખવા રોજ જુદા જુદા પ્રાણાયામ કરવા જોઈએ. જો વિચારો ખૂબ આવતા હોય, ખોટા-ખરાબ સ્વપ્નો આવતાં હોય તો રોજ Inhalation એટલે કે શ્વાસ અંદર જે લઈએ છીએ એના કરતાં શ્વાસ બહાર વધારે કાઢવો જોઈએ. વિચારો ઓછા થશે, વિચારોમાં Clarity આવશે. વિચારો બરાબર ગોઠવી કામની ગોઠવણી વ્યવસ્થિત કરી શકાય છે. કયા કામની અગ્રતા આપવી એ નક્કી કરી શકાય છે.

હવે જો શરીરની અંદરના તાપમાનમાં અસંતુલન આવે તો સમજવું કે માંદગી આવવાની. શરીરની અંદર ગરમી વધતાં ચંદ્રભેદન પ્રાણાયમ કરવું જોઈએ. શરીરની અંદર ઠંડક વધતા સૂર્યભેદન પ્રાણાયામ કરવું જોઈએ. સાથે થોડા થોડા વખતે શુદ્ધિકરણની ક્રિયાઓ કરવી જોઈએ. એટલે શ્વાસની ક્રિયા જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વધારે બહાર નીકળે અને પ્રાણવાયુ વધારે અંદર જઈ શકે. શરૂઆત નાડીશોધન પ્રાણાયામથી કરવી. પછી અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવું જે બધા તંત્રમાં પ્રાણ પૂરે છે અને શરીર અને મનના સ્વાસ્થ્યને સારું રાખે છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)