ભાદરવા મહિનાની તકલીફો અને યોગ

ઋતુ પ્રમાણે યોગાસન કરીએ, ઋતુ પ્રમાણે આહાર લઈએ અને આપણી પ્રકૃતિ પ્રમાણે આહાર, વિહાર અને યોગ કરીએ તો આપણે જ આપણા શરીર અને મન સાજા કરી શકીએ. પ્રકૃતિ જાણવી એટલે જરૂરી છે કે જો પ્રકૃતિ વિરુદ્ધની પ્રવૃત્તિ કરીએ કે ખોરાક લઈએ તો ચોક્કસ જ બીમાર પડવાની શક્યતા છે. જેમ કે ખાટા ઓડકાર આવતા હોય, માથું દુખતું હોય અને તો પણ જો દહીં, લસ્સીનો વપરાશ કરીએ તો માથું પણ વધારે દુખશે અને ખાટા ઓડકાર જે ખોરાક નથી પચ્યો એના લીધે આવે છે તે વધી જશે. એટલે પ્રકૃતિ જાણવી જરૂરી છે. હું હંમેશા વ્યક્તિની નાડી જોઈને એમને યોગ થેરાપી કરાવું છું. જેનાથી લોકોને ફાયદો થયો છે અને સારા પરિણામ પણ મળ્યા છે.

ઉધરસ આવે, ગળામાં દુખે, ગળામાં સોજો આવ્યો હોય, પાણી પીતા ગળામાં દુખે, અવાજ બેસી જાય, તો શું કરવું? આ સ્થિતિમાં દુઃખને વળગીને રહેવા કરતા, ગળાની સૂક્ષ્મ ક્રિયા કરવી. ગળા અને આજુબાજુના સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ સારું થતા લોહીમાં રહેલ પ્રાણવાયુ તે જગ્યાના દરેક કણે કણને સ્પર્શીને બધી તકલીફો દૂર કરશે.

ગળાની સૂક્ષ્મ ક્રિયા એટલે શું?

 • માથાને નીચે નમાવો અને પછી માથુ ઉપર તરફ લઈ જઈ પાછળ નમાવો -પાંચ વાર કરવું. (આંખો ખુલ્લી રાખવી)
 • ડોકને જમણી અને ડાબી બાજુ 5-5 વાર ફેરવવી.
 • ડોકને જમણી બાજુ અને ડાબી બાજુ નમાવવી (કાન ખભાને અડકે એ રીતે) આ રીતે 5 વાર કરવું.
 • જાલંધર બંધ કરી શકાય.
 • ઉજ્જૈઈ પ્રાણાયામ કરવું જોઈએ.

 

પેટની ગરબડ, પેટ ફુલી જવું,  પેટમાં થોડા થોડા સમયે ચૂંક આવવી, પેટમાં ગેસ વધારે થવો,પેટ ભારે લાગે આ સ્થિતિમાં શું કરવું?

 • આ સ્થિતિમાં ખાસ આંતરડા શુદ્ધ થાય તેવું કોઈ દ્રવ્ય કે ચૂર્ણ લેવું જોઈએ.
 • શંખ પ્રક્ષાલન કરાવવું જોઈએ.
 • ખાલી પેટ હોય ત્યારે નાભિ પર અસર થાય એ રીતે (abdominal breathing) શ્વાસની ક્રિયા કરવી.
 • ઉડ્ડિયાન બંધ ચલિત અને સ્થીર બંને કરવા.
 • પેટ નરમ-પોચું, પેટ ઓછું હોવું જોઈએ. જો પેટ કડક હોય તો પેટ સ્વસ્થ નથી એવું કહી શકાય.
 • પશ્ચિમોત્તાનાસન, અપાન સંતુલન ભુજંગાસન પણ કરવું હિતાવહ છે.

 

વાયરલ તાવ આવવો

તાવ આવવાના ઘણા કારણો હોઈ શકે, માનસિક અને શારીરિક. આહાર કરતા વિહાર વધે તો તાવ આવે. એટલે શ્રમ વધે, તણાવ વધે, એના પ્રમાણમાં જો આહાર ન લેવાય તો પણ તાવ આવે. પેટ બગડે, ઇન્ફેક્શન લાગે તો પણ તાવ આવે. એવા વખતે કોઈ આસન ન કરવા માત્ર સુતા સુતા એક્સેલ વધારે કરવું. શ્વાસ બહાર વધારે કાઢવો. જેથી ઊંડો શ્વાસ વધારે લઈ શકાય, જે આપોઆપ લેવશે. પાત્ર ખાલી હોય તો એમાં જળ ભરી શકાય એમ શ્વાસ વધારે બહાર નીકળશે તો આપોઆપ ઊંડો શ્વાસ ભરી શકાશે.

ભાદરવા મહિનામાં એસીડીટી, માથું દુખવું, માઇગ્રેઇનની તકલીફ પણ વધારે થતી હોય છે.

 • પેટ સાફ રાખવું પ્રથમ કાર્ય હોવું જોઈએ.
 • શિકારી પ્રાણાયામ અને ભુજંગાસન બંને સાથે કરવા.
 • જમણા પડખે સુવું જેથી ચંદ્ર નાડી એક્ટિવ થાય.
 • ચંદ્ર ભેદન પ્રાણાયામ પણ ખૂબ લાભદાયી નીવડશે.
 • આ ઋતુમાં ટામેટા, દહીં, શીંગ અને આદુ ઓછા કરી દેવાના.
 • દૂધ પૌવા પ્રકૃતિ અને ઋતુને અનુરૂપ આહાર કહેવાય.

 

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]