સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે યોગના 4 પાયા…

સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ચાર પાયાના ગુણો છે. યોગમાં માત્ર આસન પ્રાણાયમ જ યોગ નથી. અષ્ટાંગ યોગના આઠ પગથિયાંમાં વિગતે જણાવ્યું છે કે જીવન કેવી રીતે જીવવું જોઇએ. બીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, વર્તન કેવું હોવું જોઈએ. એવી રીતે શરીર બહારનું શુદ્ધિકરણ કરતાં આંતરિક શુદ્ધિકરણ એટલું જ અગત્યનું છે. એવી જ રીતે મનનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું આ બધા માટે ચાર પાયાના મુદ્દા છે.

  • આહાર
  • વિહાર
  • આચાર
  • વિચાર

આ મુદ્દાને વિગતે સમજીએ

(1) આહાર :- “અન્ન એવો ઓડકાર” આ કહેવત તમે સાંભળી હશે, બીજી કહેવત છે “અન્ન તેવું મન”. દરેક કોડીઓ જે મોઢામાં મુકાય છે તે આપણા સ્વાસ્થ્ય અને ઉંમર માટે મહત્વનો છે. What ever you are eat ever. સ્વસ્થ જીવન જાળવવા માટે આપણા ખોરાકને ત્રણ ભાગમાં વહેંચીએ. સાત્વિક, રાજસિક અને તામસિક ખોરાક, આ ત્રણ સ્વાદ, આ ત્રણ ખોરાકની અસર શરીર અને મન પર કેવી રીતે પડે છે તે જોઈએ.

સાત્વિક આહાર: શ્રીમદ ભગવદ ગીતાજી ૧૭/૮ (સંસ્કૃત) રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનાર અને સાત્વિક કહેવાય છે. આ આહાર લેનાર નું આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે.

રજોગુણી આહાર: શ્રીમદ ભગવદ ગીતાજી ૧૭/૯ (સંસ્કૃત) જેમાં કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, તથા બળતરા કરનારું હોય છે. આવો આહાર દુઃખ તથા રોગ ઉત્પત્તિ કરનાર લે છે.

તમોગુણી આહાર: શ્રીમદ ભગવદ ગીતાજી ૧૭/૧૦ (સંસ્કૃત) જે ખોરાક વાસી, ઠંડુ, સ્વાદહીન, એઠું, અસ્પૃશ્ય, વસ્તુઓનું બનેલું હોય તેવા લોકોને તામસી સ્વભાવ વધે ને વધુ ક્રોધિત, ઈર્ષાળુ, આળસ, પ્રમાદથી ભરેલો હોય છે. એટલે આહાર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

(2) વિહાર : પ્રવૃત્તિ, કાર્ય એવા હોવા જોઇએ જે વધુ પડતા ન હોય કે બહુ ઓછા પણ ન હોય. માનસિક-શારીરિક શ્રમ યોગ્ય પ્રમાણમાં હોવો તે ખૂબ જરૂરી છે. ઊંઘ પણ એટલી જ અગત્યની છે, ક્યારે કેટલું સુવાય એ વાતની સમજણ હોવી જોઈએ. કઇ ઋતુમાં બપોરે સુવાયને કઇ ઋતુમાં બપોરે ન સુવાય તે ખબર હોવી જોઈએ. ગ્રીષ્મ ઋતુમાં બપોરે 10થી 20 મિનિટનો આરામ કરી શકાય. બીજી ઋતુમાં બપોરે ન સુવાય નહિતર શરીરનું તંત્ર ખોરવાઈ જાય છે. રાતની ઊંઘ છથી આઠ કલાકની હોવી જ જોઈએ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. વિહારમાં તડકામાં વધુ પડતો શ્રમ કરવાથી પિત્ત પ્રકૃતિવાળાને તકલીફ થઈ શકે છે. એટલે આહાર પછી વિહાર પણ સમજી લેવું જોઈએ.

(3) આચાર :- આચાર કેવા હોવા જોઈએ? તો જીવનનિર્વાહ માટે તમારે જે પ્રવૃત્તિ કરવી પડતી હોય તે ઉપરાંત તમારી ગમતી પ્રવૃત્તિ શું કરો છો? જો કરતા હોય તો ચોક્કસ બીજા કામ પર, વ્યવહાર પર હકારાત્મક અસર પડશે. જો કશું જ ગમતી પ્રવૃત્તિ ઓછામાં ઓછી દસ મિનિટ પણ ન કરો તો હંમેશા ચિંતિત રહેશો, નાની વાતમાં ગુસ્સો આવશે. એટલે આચાર પણ એક અગત્યનો મુદ્દો છે.

(4) વિચાર :- યોગી વિચારધારા થવી જોઈએ. એવું વિચારવું, ત્યાં વિચારવું, ત્યારે વિચારવું એ બધી સમજણ હોવી જોઈએ. વિચાર હકારાત્મક તો વર્તન સારું, વિચાર નકારાત્મક તો વર્તન ખોટું થવાની શક્યતા છે. જે જોઇશું એવા વિચાર આવશે જે વિચાર આવશે તે પ્રમાણે અમલ થશે તો એ કેટલું અગત્યનું છે. જે સાંભળો એ થશે એટલે મનમાં વિચાર આવે કે ક્યાંક મને ડાયાબીટીસ ન થઈ જાય જો આમ સતત વિચારો તો એ એક દિવસ ડાયાબિટીસ થશે જ. એટલે ચાર મુદ્દાઓનો છેલ્લો મુદ્દો વિચાર એ અગત્યનું પાસું છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)