વિક્રમ સંવત 2075માં મિથુન રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

મિથુન:

વાણીજ્યની બાબતોમાં પ્રવીણ એવા મિથુન રાશિના જાતકોને વર્ષ દરમ્યાન નોકરી અને કાર્યવિષયક બાબતોમાં સતત પ્રગતિ થતી રહેશે. આ વર્ષ દરમ્યાન તમારો વ્યવસાય બિલકુલ નવીન રીતે પ્રગતિ કરી શકે. ભાગીદારી કે કોઈની મદદ વગર તમે સ્વયં પ્રગતિ માટે મક્કમ બનો તેવું બની શકે. યુવાનોને આ વર્ષ દરમ્યાન નવી નોકરીની ઉજ્જવળ તકો છે. આ બધું છઠા ભાવે રહેલા ગુરુ મહારાજને આભારી છે, મિથુન લગ્નમાં ગુરુ છઠે અને કેન્દ્રથી બહારના સ્થાનોમાં શુભ કહી શકાય. વર્ષ દરમ્યાન શનિ મહારાજ સપ્તમ ભાવે રહીને સંબંધોમાં એક બંધન લાવી શકે છે. લગ્ન બાબતે રાહ જોતા જાતકો માટે આ વર્ષ દરમ્યાન નિર્ણય લેવામાં મન ડગ્યા કરે તેવું બને. લગ્નજીવન પર વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે, જે તમારા કાર્ય અને અંગત જીવન વચ્ચે સંતુલન કરશે.

આશરે એપ્રિલ ૧૯ની શરૂઆત પછી રાહુ પ્રથમ ભાવે એટલે કે મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યોતિષની દ્રષ્ટિએ આ ઘટના તમારા આવનાર લગભગ દોઢ વર્ષ માટે મહત્વની બનશે. જો તમે આ દરમ્યાન કોઈ બદલાવ અનુભવો છો તો તે લગભગ દોઢેક વર્ષ સુધી તમારા જીવનમાં નિર્ણાયક સાબિત થશે. દેહ ભાવે રાહુ તમને વધુ પડતા આત્મકેન્દ્રી બનાવી શકે છે. અન્ય લોકો સાથે તમારે વધુ મતભેદ ઉભા થઇ શકે. મે ૧૯ અને ઓક્ટોબર ૧૯ મહત્વના આ વર્ષના સફળ મહિના કહી શકાય. મે ૧૯માં પહેલા તકલ્ફી અને પછી આર્થિક લાભ થઇ શકે.

નીરવ રંજન