દાહોદઃ સગર્ભા-ધાત્રી મહિલાઓને મળે છે ગરમાગરમ ભોજન

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: એક મહિલાને જ્યારે સારા દિવસો જતાં હોય ત્યારે, તેમના માટે ગૃહકાર્ય કરવું ખૂબ જ કપરૂ થઇ પડતું હોય છે. એમાંય જ્યારે, તે મહિલા એવા વિસ્તારમા રહેતી હોય જ્યાં પ્રત્યેક ડગલે તેમને ભૌગોલિક ઉપરાંત આર્થિક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે ત્યારે ગર્ભાવસ્થાના દિવસોમાં બે ટંકનું ભોજન બનાવવું આકરૂ થઇ પડે છે. આવા સમયમાં ધાત્રી અને સગર્ભા માતાઓ માટે રાજ્ય સરકારની પોષણ સુધા યોજના મા અન્નપૂર્ણાનું રૂપ લઇ આવે છે.

રાજ્ય સરકાર દ્વારા પાયલોટ તરીકે દાહોદ જિલ્લાના બે તાલુકા ધાનપુર અને ગરબાડા તાલુકામાં શરૂ કરવામાં આવેલી યોજના પોષણ સુધા આવી માતાઓ માટે પોષણદાત્રી બની છે.

પોષણ સુધા અભિયાન રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પાંચ જિલ્લાના છ વિકાસશીલ તાલુકાના ૧૦ આંગણવાડી ઘટકોમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૭માં આ યોજના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે, તાજેતરમાં રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટમાં આ યોજના માટે રૂ. ૯૭૧ લાખની જોગવાઇ કરી છે. સગર્ભા અને ધાત્રી સાથે તેમના ૬ માસ સુધીના બાળકને આંગણવાડી કેન્દ્રમાં બપોરનું ગરમા ગરમ ભોજન આપવામાં આવે છે.

દાહોદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં ઉક્ત બન્ને તાલુકાના ચાર ઘટક હેઠળની આંગણવાડીમાં પ્રતિદિન ૫૫૧૦ જેટલી ધાત્રી અને સગર્ભા માતા ભોજન લઇ રહી છે. માતાને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે.

ધાનપુર અને ગરબાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ ગામોમાં આ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દુર્ગમ વિસ્તારની આંગણવાડીની મુલાકાત લેવામાં આવે ત્યારે માલૂમ પડે કે બપોરના એક ટંકનું ભોજન લીધા બાદ મહિલાઓને સુખનો ઓડકાર આવે છે.

મહારાષ્ટ્રની સરહદથી માત્ર ૭૦૦ મિટર દૂર આવેલા નવાનગર ગામની પાની વડિયા ફળિયાની આંગણવાડીમાં પ્રતિદિન ૧૫થી ૨૦ મહિલાઓ આ યોજનાનો લાભ લઇ રહી છે. અહી પરિવારો છૂટાછવાયા રહે છે અને મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. પુરુષો રોજગારી માટે મોટા શહેરોમાં જાય છે. ત્યારે, અહીં પરિવારના અન્ય સભ્યો સાથે રહેતી સગર્ભા અને ધાત્રી માતાઓ રોજ બપોરે આંગણવાડી કેન્દ્રમાં જાય છે અને ભરપેટ ભોજન આરોગે છે.

નિરૂબેન નિમિષભાઇ ભૂરિયા આવા જ એક લાભાર્થી છે. તેમને ૯  માસથી સારા દિવસો જાય છે. તે કહે છે, અમને અહીં રોજેરોજ જુદાજુદા પ્રકારનું પોષણ ઉપરાંત સ્વાદિષ્ટ જમવાનું મળે છે. ખાસ કરીને લીલા શાકભાજી મળી રહી છે. અમારા માટે શાકભાજી ખરીદવા જવાનું મુશ્કેલ હોય છે. તેથી અહીં આવી અઠવાડિયામાં એક દિવસ મિષ્ટાન્ન સહિતનું ભોજન મળે છે.

આવી જ વાત શબીરાબેન ભૂરિયા પણ કહે છે. તેમને બે માસ નાનુ બાળક છે. તે કહે છે, આંગણવાડી કેન્દ્ર માત્ર અમારા ભોજનનું સ્થાન જ નથી. અમને અહીં આરોગ્યલક્ષી સમજણ આપવામાં આવે છે. બાળકના આરોગ્યની તકેદારી માટે રસીકરણ, સ્તનપાન જેવી બાબતોની માહિતી આપવામાં આવે છે. અમે જ્યારે, અહીં ના આવી શકીએ એમ હોઇએ ત્યારે આંગણવાડીમાંથી ટીફીનનું બોક્સ અમારી ઘરે પહોંચાડી દેવામાં આવે છે.

આંગણવાડી સંચાલન વનિતાબેન ભૂરિયા અને તેડાગર ખબુબેન ભૂરિયા રોજ બપોરે બારથી એક વાગ્યા દરમિયાન ફળિયાની લાભાર્થી મહિલાઓને પ્રેમથી જમાડે છે. મહિલાઓ તેમને ભોજન બનાવવામાં જરૂર પડે ત્યારે મદદ પણ કરે છે.

દાહોદ જિલ્લામાં કુપોષણ નાબૂદી માટે આરોગ્ય વિભાગ ઉપરાંત સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે પૈકી ટેક હોમ રાશન મહત્વની છે. જેમાં બાલશક્તિના ૫૩ હજાર પેકેટ્સ, માતૃ શક્તિના ૨૫ હજાર અને પૂર્ણા એટલ કે પ્રિવેન્શન ઓફ અન્ડર ન્યુટ્રિશ્યસ એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રીશનલ એનેમિયા અમોન્ગ એડોલન્સ ગર્લ્સના ૩૯ હજાર પેકેટ જાન્યુઆરી માસ સુધીમાં વિતરિત કરવામાં આવ્યા હતા.

(દર્શન ત્રિવેદી)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]