બોલ ‘સિક્સ’ પર ગયોઃ બેટથી નહીં, સ્ટમ્પ્સને લાગીને…

ક્રિકેટની રમતમાં પહેલી જ વાર બન્યું છે. બોલરે ફેંકેલો બોલ બેટ્સમેનના બેટના ફટકાથી નહીં, પણ સ્ટમ્પને અડીને, ઉછળીને વિકેટકીપરની પાછળ બાઉન્ડરી લાઈનની ઉપરથી ‘સિક્સ’ પર ગયો. જોકે આ બનાવમાં બેટિંગ ટીમને કોઈ રન નહોતા મળ્યા, પણ એની એક વિકેટ પડી હતી. આ ઘટના 8 જૂન, શનિવારે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ મેદાન પર ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વખતે બની હતી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે બોલ ફેંક્યો હતો અને સામે રમતો હતો બાંગ્લાદેશનો ઓપનર સૌમ્યા સરકાર. બોલ સ્ટમ્પ્સ પરની એક બેલને પાડીને ઉછળીને વિકેટકીપર જોની બેરસ્ટોનના માથા ઉપરથી થઈને પાછળ બાઉન્ડરી લાઈનની ઉપરથી સ્ટેન્ડમાં પડ્યો હતો. આર્ચરે ફેંકેલા બોલની સ્પીડ પ્રતિ કલાક 153 કિ.મી.ની હતી અને બોલ ઉછળીને 54 મીટર દૂર જઈને પડ્યો હતો.