ગૂગલ ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતી ટેલેન્ટ… વિડિયો મુલાકાત

યંગ જનરેશન-યુવા પેઢીની કોઇપણ વાત કરીએ તો તેમાં ટેકનોલોજીનો છેડો ન અડતો હોય તેવું હવે બને તેમ નથી. આંગળીના ટેરવે નેટના અદ્રશ્ય દોરડાંઓમાં આજની યંગ જનરેશન ઝૂલી રહી છે. આ ટેકનોલોજીમાં કામ કરવા શ્રેષ્ઠતમ જગ્યા તરીકે ગૂગલ ઓફિસ મહત્ત્વનો પડાવ બને છે, જેમાં દુનિયાભરની માસ્ટર માઇન્ડ ટેલેન્ટ દિવસરાત એક કરીને દુનિયામાં એવી ટેકનોલોજીસભર એપ લઇ આવે છે, જેનો ઉપયોગ રોજિંદી જિંદગીને વધુ સગવડભર્યો અને રોમાંચક બનાવે છે. આવી ટેલેન્ટમાં આપણાં અમદાવાદના સૂરિલ રાકેશ શાહનો સમાવેશ થયો છે. ગૂગલ રીસર્ચર તરીકે ગૂગલની વરિષ્ઠ ટીમમાં જગ્યા બનાવનાર સૂરિલ હાલમાં મશીન પર્સેપ્શન ગ્રુપમાં ગૂગલ રીસર્ચ ખાતે સીનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. સૂરિલની વિડીયો મુલાકાત chitralekha.comના વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલ દ્વારા લેવામાં આવી હતી. જેમાં સૂરિલ સાથે થયેલો રસપ્રદ, માહિતીપ્રદ વાર્તાલાપ ગુજરાતના યુવાનો માટે પ્રેરક બનશે.

સૂરિલનું બેક ગ્રાઉન્ડપેરેન્ટ્સ રાકેશભાઈ શાહ અને સંગીતાબહેન શાહ તથા નાના ભાઇ રાહિલ શાહ સાથે અમદાવાદમાં વસતો સૂરિલ નાની વયથી જ જાણે અજાણે પોતાના લક્ષ્ય તરફ આગળ કદમ માંડતો રહ્યો હતો.

સૂરિલની ઉપલબ્ધિઓ વિશે જણાવીએ તો આ 25 વર્ષીય યુવાન સીસ્ટમ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વિશિષ્ટ કમ્પ્યૂટર વિજ્ઞાનમાં બી.એસ. અને એમએસ સાથે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. સૂરિલની ટીમ મોબાઇલ પર કોમ્પ્યુટેશનલ વિડીઓને આગળ વધારવા માટે પાયાની ટેકનોલોજી વિકસાવવામાં સંશોધનો કરે છે. સૂરિલની મોટી ઉપલબ્ધિ તરીકે જોઇએ તો મોશન સ્ટિલ્સ નામની તેની ગૂગલ રીસર્ચ એપ્લિકેશન લોન્ચ કરી હતી. જેના દ્વારા સિનેમેટિક ગુણવત્તાવાળી વીડિયોગ્રાફીને તેમના પેટન્ટ સ્થિરીકરણ ટેકનોલોજી દ્વારા મોબાઈલ ફોન્સ પર મૂકી હતી. આ એપ ખાસ તો ભારત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે, ગૂગલ રીસર્ચ ટીમની પહેલાં, સૂરિલે એન્ડ્રોઇડ ડિપાર્ટમેન્ટમાં મશીન લર્નિંગ ગ્રૂપ માટે અઢી વર્ષ કામ કરવાનો અનુભવ લીધો હતો. રીસ્ટ જેસ્ચર રેકોગ્નિશન સીસ્ટમ તરીકે Android smartwatches માટે એક કાંડાની ક્રિયા ઓળખવાની સીસ્ટમ શરૂ કરી હતી.

સ્ટેનફોર્ડમાં ભણતાંભણતાં જ સૂરિલે સિલીકોન વેલીમાં બહુવિધ કંપનીઓ સાથે કામ શરુ કરીને પોતાના વેન્ચર્સની સ્થાપના પણ કરી હતી. જેને વેન્ચર કેપિટલિસ્ટના સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર પ્રોગ્રામનો સપોર્ટ મળ્યો હતો. સૂરિલે 9 વર્ષની વયે પ્રોગ્રામિંગ શરૂ કર્યું હતું અને વિશ્વના સૌથી નાના સન સર્ટિફાઈડ જાવા પ્રોગ્રામર (એસસીજેપી), ઓરેકલ સર્ટિફાઇડ પ્રોફેશનલ (ઓસીપી) ડીએબીએ અને એસએપી સર્ટિફાઈડ નેટવિયર સલાહકાર તરીકે નામ કમાયો હતો.

સૂરિલે 13 વર્ષની ઉંમરે આઠમાં ધોરણમાં ભણતાંભણતાં જ પોતાની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી દીધી હતી. સૂરિલે ઈનફૉચિક્સ ઇન્ક જેવી અમદાવાદની સ્થાનિક કંપનીમાં સોફ્ટવેર સલાહકાર તરીકે કામ કર્યું હતું અને મેઘમણિ ઓર્ગેનિક્સમાં એસએપી ERP સોલ્યુશન્સને અમલમાં મૂકતી કંપનીમાં પણ કામ કર્યું હતું. તો આવો જોઈએ સૂરિલ શાહ સાથેની અમદાવાદથી સિલિકોન વેલીમાં લીધેલી એક્ઝક્લૂસિવ મુલાકાત…