ઝૂમ્બા ગરબાના આનંદ સાથે ફિટનેસનો લાભ, નિહાળો ડાન્સરસાઈઝ માસ્ટર ફોરમ શાહની મુલાકાત

સાઉન્ડ બૉડી ઇઝ સાઉન્ડ માઈન્ડ એવું સાંભળ્યું હશે, પણ તેને શબ્દશઃ સાર્થક થતું નજરે જોવું હોય તો મળવું પડે ફોરમ શાહને…મુંબઈનાં ફોરમ શાહ વિદેશોમાં પ્રચલિત ફિટનેસ એક્સરસાઈઝ ઝૂમ્બા ડાન્સના એક ફિટનેસ સ્ટાઈલિસ્ટ જ નહીં, આપણાં ગુજરાતનાં પોતીકાં લોકનૃત્ય એવા ગરબાના પણ કોરિયોગ્રાફર તરીકે ખાસ્સાં જાણીતાં છે. નાની વયથી પોતાની આગવી પ્રતિભા દ્વારા એક દશકથી વધુ સમયથી વર્ડ ઓફ માઉથથી લોકપ્રિયતાનો પરચમ લહેરાવનાર ફોરમ શાહ સાથે chitralekha.comના ચીફ રીપોર્ટર-એડિટર પારુલ રાવલ દ્વારા લેવાયેલી વિશેષ મુલાકાતમાં અનેક બાબતો સંદર્ભે રસપ્રદ વિગતો જાણવા મળી હતી. એટલું જ નહીં, ફોરમ શાહે ખાસ અમારા દર્શકો માટે આ નવરાત્રિમાં ખૂબ જ આસાનીથી કરી શકાય તે પ્રકારે ઝૂમ્બા ગરબા સ્ટેપ્સ દર્શાવ્યાં છે.

ફોરમ શાહ વિશે…

આપણાં આજના મહેમાન ફોરમ અક્ષય શાહ મુંબઈ નિવાસી છે. માતા તેજલ બહેન અને પિતા હેમેન્દ્ર શાહ. તેમનું મોસાળ કનેક્શન જોકે સૂરતનું છે. તેમના માતા  તેજલ મહેતા સૂરતનાં છે અને એક રીતે ગુજરાતી સંસ્કૃતિના હરતાંફરતાં એમ્બેસેડર જેવાં છે. ફોરમને તેમનાં નાના બહેન નિધિ નેગાંધીનો પણ ખૂબ જ સપોર્ટ મળે છે, જે તેમને અનેક મોરચા સંભાળવામાં સહાયક બને છે. ફોરમે મુંબઈની હિન્દુજા કોલેજમાંથી બી.કોમ કર્યું છે.

કેડી કંડારવાનો સંઘર્ષ ….

કોઇપણ વ્યક્તિ માટે શૂન્યમાંથી સર્જન કરવું કદી આસાન રહ્યું નથી કારણ કે તે કેડી કંડારવાની સંઘર્ષપૂર્ણ વાત છે. ફોરમે પુત્રજન્મ પછીના ત્રણચાર માસમાં જ પોતાના કોરિયોગ્રાફી ક્લાસીસ શરુ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમની સામે પણ અનેક સમસ્યાઓ આવી. પણ ખુમારની વાત એ છે કે ફોરમે ધૈર્યથી કામ લીધું અને પ્રતિકૂળ સંજોગોને પોતાને તરફે લાવવા માટે મંડ્યા રહ્યાં. શરુઆતના વિલંબ પછી તેમની પાસે ડાન્સ શીખવા આવનાર વિદ્યાર્થીઓ નાની સંખ્યામાં શરુ થયાં તેમને જે રીતે નૃત્યકુશળ બનાવ્યાં એ જોઇને તેઓ ખૂબ સરસ રીઝલ્ટ આપી રહ્યાં છે તેવા વર્ડ ઓફ માઉથે ફોરમ માટે સ્વયં પ્રચારનું કામ કરી આપ્યું. જેને પરિણામે તેમની પાસે હાલમાં સાડા પાંચસોથી વધુ સ્ટુડન્ટ્સ છે. તેમની કોરિયોગ્રાફી એ રીતની છે કે જે ફિટનેસ પ્રદાન કરવાની સાથે ડાન્સિંગ સ્કીલ ડેવલપ કરે છે.

આ છે લોકપ્રિયતાનું કારણ….

દુનિયાભરમાં ફિટનેસ ફ્રિકને ઘેલું લગાડનાર ઝૂમ્બા જેવી ફિટનેસ સ્ટાઈલ સાથે ગરબા અને સહજ લોકપ્રિય એવા બોલિવૂડ સોંગ્ઝ પર ફોરમ પોતાની રીતે ડાન્સ પ્રેકટિસ ડિઝાઈન કરે છે અને સ્ટુડન્ટની ક્ષમતા અનુસાર પ્રેકટિસ સેશન આપે છે. મુંબઈ જેવા શહેરમાં ખૂબ જ વાજબી કહી શકાય એવી ફીમાં તેઓ ખૂબ જ સરસ માહોલ અને અભિગમથી ડાન્સરસાઈઝ શીખવે છે.

સાથે આ પ્રવૃત્તિઓ પણ છે….

તેઓ અન્ય કેટલીક ઇવેન્ટમાં પણ સંલગ્ન છે જે અન્યોને સ્ટ્રેસ બસ્ટર ફિલ કરાવે, હળવાંફૂલ બનાવે, ફિલ ગુડ કરાવે. ફોરમ કિટી પાર્ટીઝ ઇવેન્ટ, બર્થ ડે પાર્ટીઝ, કોર્પોરેટ વર્કશોપ્સ, સીનિયર સિટીઝન્સ માટે સ્પેશિયલ ક્લાસીસ વગેરેમાં પ્રવૃત્ત રહે છે.

વ્યસ્તતા વચ્ચે પણ પારિવારિક જવાબદારીનું પાલન…

ફોરમ આટલી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત છે એમ છતાં પોતાના પરિવારનું ધ્યાન પણ એટલું જ રાખે છે. તેઓ પોતાના સાસુસસરાની દેખભાળ ખુદ રાખે છે. તેમના સસરાને થોડા સમય અગાઉ બીમારી આવી જતાં તેમણે કેટલોક સમય પોતાના ક્લાસીસ બંધ રાખ્યાં હતાં. તેમ છતાં તેમની પાસે શીખી રહેલાં સ્ટુડન્ટસે અન્ય ડાન્સ માસ્ટરની શોધ કરી ન હતી એટલો બધો પ્રેમ તેમને મળ્યો છે. એ જ રીતે શાળામાં ભણી રહેલાં પુત્રને માટે માતા તરીકેની તમામ ફરજ પૂરી કરવામાં પણ ફોરમ સફળ રહે છે. પુત્ર વિવાનના શાળાના, ટ્યૂશનના વગેરે સમય દરમિયાન પોતાના કાર્યો કરી લેવાનું આયોજન તેઓ કરી લે છે. કારણ કે તમામ જવાબદારીઓમાં તેમના પતિ અક્ષય શાહનો પણ ભરપુર સપોર્ટ મેળવે છે. ઇનફેક્ટ વીસ વર્ષની વયે લગ્ન થયાં એ પછી પતિનું પ્રોત્સાહન જ અનેક સમસ્યાઓ સામે સપોર્ટિવ રહ્યું છે.

 

મૂળમાં છે આ શુભાશય…

ફોરમ શાહનો જીવનમંત્ર છે કે અન્યો ખુશ રહે, ફિલ ગુડ કરે. તેમને આવી સુંદર કામગીરી માટે મુંબઈના વિવિધ સામાજિક સંસ્થાનો તરફથી સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. જેમાં સિનીયર સિટીઝન્સ માટેની સ્પેશિયલ ફ્રી બેચીઝ કરવા માટે રોટરી ક્લબે સન્માનિત કર્યાં છે. તો, જૂહુ લાફ્ટર ક્લબ દ્વારા પણ તેમની કામગીરી વખાણવામાં આવી છે. ફોરમ શાહને વધુ પ્રગતિ માટે chitralekha.com તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]