ગુરેઝ વેલી (કશ્મીર): સ્વર્ગનો જાણે છૂપો દરવાજો

જમ્મુ-કશ્મીર રાજ્ય એટલે ભારતનું શિખર અને મધ્ય એશિયાનું ગેટવે. ચારેબાજુ બર્ફિલા પહાડો અને શાંત વાતાવરણ, સુંદર ઘાટમાર્ગો વચ્ચે મેદાન વિસ્તાર. આ ખૂબીઓને કારણે જ કશ્મીરને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. રાજ્યના કશ્મીર ભાગમાં સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, ગુરેઝ વેલી (સ્થાનિક લોકો જેને ગુરાઈ કહે છે). પર્યટનના શોખીનો જમ્મુ-કશ્મીરમાં ઘણું ફર્યાં હશે, પણ ઉત્તર કશ્મીરમાં આવેલા આ સ્થળનું કુદરતી સૌંદર્ય કદાચ બહુ ઓછા લોકોએ જોયું હશે. પાકિસ્તાનના ગિલગીટ-બાલ્ટિસ્તાન સાથે આ ખીણપ્રદેશ સરહદ બનાવે છે. સમુદ્રની સપાટીથી 8000 ફૂટ ઊંચાઈ પર અને રાજ્યના પાટનગર શ્રીનગરથી 125 કિ.મી. દૂર આવેલું છે. સમગ્ર ગુરેઝ વેલીમાં 15 ગામો આવેલા છે. અહીં કિશનગંગા નદી વહે છે. નદીનાં ખળખળ વહેતાં પાણીનો અવાજ સાંભળીને તમને એમ લાગે કે તમે જાણે સ્વર્ગનો પરમ આનંદ માણી રહ્યાં છો.

ઉનાળાની મોસમમાં ટ્રેકિંગના શોખીનો આ વેલી તરફ બહ આકર્ષિત થાય છે. વર્ષના છ મહિના તો આ વેલીમાં જવાનું મુશ્કેલ બની જાય છે. ગુરેઝનું મુખ્ય નગર છે દવાર. અહીં મોબાઈલ નેટવર્ક લિમિટેડ છે. માત્ર બીએસએનએલનું જ નેટવર્ક મળે.