માનો યા ન માનોઃ 15 મિનિટમાં જ પહોંચાશે એલિફન્ટા…

ફક્ત 15 મિનિટમાં જ તમે એલિફન્ટા પહોંચી શકશો. પણ થોભો, એ માટે તમારે 2022 સુધી રાહ જોવાની છે!

મોહમયી મુંબઈ નગરીની જેમણે મુલાકાત લીધી હોય તે વ્યક્તિ એલિફન્ટાની ગુફાઓથી અજાણી ના જ હોય! આ ગુફાઓ તેની ઉત્તમ શિલ્પ કળાકૃતિઓ જે ભગવાન શિવજી પર રચિત છે તેને લીધે પ્રખ્યાત છે.

આ ઐતિહાસિક સ્થળ સુધી પહોંચવા મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયાથી સમુદ્ર માર્ગે ફેરી રાઈડ દ્વારા એલિફન્ટા સુધી 10 કિ.મી.ના અંતરે લગભગ એક કલાકે પહોંચાય છે.

કેંદ્ર સરકારે મુંબઈથી એલિફન્ટા તરફ જવા માટે 8 કિ.મી. સુધીનો રોપવે બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા બાદ એલિફન્ટા સ્થળે ફક્ત 15 મિનિટમાં પહોંચી શકાશે.

આ રોપવે અરબી સમુદ્ર પર બાંધવામાં આવશે, પણ કામ પૂર્ણ થવામાં 4 વર્ષ લાગશે. આપણા દેશનો એ પહેલો રોપવે હશે જે સમુદ્ર ઉપર બનશે!

આ પ્રોજેક્ટને મુંબઈ પોર્ટ ટ્રસ્ટે હાથમાં લીધો છે. એક વાર રોપવે બની જશે, તો ટોટલ 30 કૅબલ કાર આ રૂટ ઉપર સરકવા માંડશે.

એલિફન્ટામાં છેક 8મી સદી જેટલી પ્રાચીન ગુફાઓ જોવા મળે છે. અહીં હિન્દુ તથા બૌદ્ધ પૌરાણિક કથાઓ પર આધારિત મૂર્તિઓ છે.

યુનાઈટેડ નેશન્સ સંસ્થાની યૂનેસ્કો પેટા-સંસ્થાએ એલિફન્ટાને વિશ્વ વિરાસત (વર્લ્ડ હેરિટેજ) સ્થળ તરીકે ઘોષિત કર્યું છે.

એલિફન્ટામાં મહારાષ્ટ્ર ટુરિઝમ તરફથી એક ટોય ટ્રેનની પણ સેવા ઉપલબ્ધ છે. એ ભલે માત્ર 800 મીટર સુધી જ ચાલે છે, પણ એમાં બેસીને ટૂંકી સફર કરવાનો આનંદ કંઈક અલગ છે.