શાહી મીઠાઈ જે ઘરે બની શકે!!!

આ મીઠાઈનું નામ કદાચ સાંભળ્યું નહિં હોય, એનું નામ છે ‘શાહી ટુકડા’. વાંચો મીઠાઈ બનાવવાની રીત…

શાહી ટુકડા માટે સામગ્રીઃ  બ્રેડની 5-6 સ્લાઈસ લો (ઘઉંની બ્રેડ પણ લઈ શકો છો), ઘી તળવા માટે, 1 કપ સાકર, અડધો કપ પાણી તેમજ રબડી.

રબડી બનાવવા માટે સામગ્રીઃ 1 લિટર મલાઈવાળું દૂધ, 2-3 ચમચા સાકર, 1 ચમચી એલચી પાવડર, 6-7 તાર કેસર અડધા કપ દૂધમાં પલાળેલું, 3 ચમચા દૂધનો પાવડર, 8-10 બદામ-પિસ્તા, 1 ચમચી ગુલાબ જળ.

રીતઃ બ્રેડને ચાર ટુકડામાં કટ કરી લો અથવા તમને ગમે તે આકારમાં કટ કરી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકીને બ્રેડના ટુકડા તળી લો. તમે બ્રેડને શેલો ફ્રાઈ પણ કરી શકો છો. પણ બ્રેડ ક્રિસ્પી થવી જોઈએ.

હવે સાકરમાં અડધો કપ પાણી ઉમેરી એક તારની ચાસણી બનાવી લો.

એક જાડા તળિયાવાળી કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની આંચ મધ્યમ કરી દો. એમાંથી એક કપ ગરમ દૂધ લઈ એમાં દૂધનો પાવડર ગઠ્ઠાં ના રહે એમ મિક્સ કરીને કઢાઈમાંના દૂધમાં ફરીથી ઉમેરી દો. હવે એક લાંબો ઝારો જે કઢાઈમાં નીચે તળિયા સુધી પહોંચતો હોય તે લઈને દૂધમાં હલાવતાં રહો. જેમ જેમ મલાઈનો થર જામે તેમ તેમ મલાઈને કઢાઈમાં એક બાજુ પર કરતાં રહેવું. ધ્યાન રહે કે ઝારો હલાવતાં રહેવું, જેથી દૂધ કઢાઈમાં નીચે ન ચોંટે. એ રીતે પા લિટર જેટલું દૂધ બાકી રહે ત્યારે તેમાં એલચી પાવડર, ગુલાબ જળ તથા દૂધમાં ઓગાળેલું કેસર મેળવી ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી લેવી અને બાજુ પર કરેલી બધી મલાઈ દૂધમાં મિક્સ કરી દો. હવે એમાં કાજુ તેમજ બદામની કાતરી મિક્સ કરી દો. રબડી તૈયાર છે.

શાહી ટુકડા તૈયાર કરવા માટે ઘીમાં તળેલાં બ્રેડનાં દરેક ટુકડાને સાકરની ચાસણીમાં પલાળીને, નિતારીને એક પ્લેટમાં ગોઠવો અને પછી એક ચમચાથી રબડી લઈ દરેક ટુકડા પર ફેલાવીને મૂકતાં જાવ. સ્વાદિષ્ટ શાહી ટુકડા તૈયાર છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]