ફરાળી માલપૂઆ

સામગ્રીઃ  માવો 150 ગ્રામ, શિંગોળાનો લોટ 100 ગ્રામ, સાકર 200 ગ્રામ, દૂધ 1 કપ, પિસ્તા 8-10 નંગ, એલચી પાવડર ½  ચમચી, ઘી તળવા માટે

રીતઃ માવો દૂધમાં નાખીને બ્લેન્ડર અથવા મિક્સીમાં બારીક પીસી લો. હવે એમાં શિંગોળાનો લોટ અને થોડો એલચી પાવડર તેમજ દૂધ ઉમેરીને ખીરૂં તૈયાર કરી લો. આ ખીરૂં અડધો કલાક રહેવા દો.

બીજી બાજુ સાકરની એક તારની ચાસણી બનાવી લો. 1 કપ સાકરમાં ½ કપ પાણી ઉમેરી મિશ્રણ ગરમ કરવા મૂકો. મિશ્રણ ઉકળે એટલે ચમચાથી મિશ્રણનું ટીપું એક ડીશમાં પાડીને ઠંડું થાય એટલે ચેક કરી જુઓ. જો એક તાર નીકળે તો ચાસણી તૈયાર છે. આ ચાસણીમાં બાકી રહેલો એલચી પાવડર ઉમેરીને મિશ્રણને ઠંડું થવા દો.

એક કઢાઈમાં ઘી ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી એક ચમચો મિશ્રણ હળવેથી ઘીમાં રેડીને માલપૂઆને ગોલ્ડન બ્રાઉન થવા દો. ત્યારબાદ ઉથલાવીને બીજી બાજુએથી પણ તળી લો. આ જ રીતે બધાં માલપૂઆ તળીને ઠંડાં થાય એટલે ઠંડી થયેલી ચાસણીમાં ડુબાડીને પ્લેટમાં કાઢી લો. ઉપરથી પિસ્તાની કાતરી ભભરાવી દો.