મોહનથાળ

સ્વાદિષ્ટ મિઠાઈ મોહનથાળ તો ફક્ત કંદોઈ જ બનાવી શકે… આ માન્ચતા તોડવી હોય તો કરો તમારાથી શરૂઆત… બનાવો ઘરે ટેસ્ટી મોહનથાળ!!

સામગ્રીઃ

  • 4 કપ ચણાનો લોટ (1 કપ-200 ગ્રામ)
  • (2 ટે.સ્પૂન ઘી, 2 ટે.સ્પૂન દૂધ લોટને ધાબો આપવા માટે)
  • 1 ¼ કપ ઘરની મલાઈ અથવા માવો
  • 1 કપ ઘી
  • 2¾ કપ સાકર
  • 15-20 કેસરના તાંતણા

રીતઃ 2 ટે.સ્પૂન 2 ટે.સ્પૂન દૂધમાં ઘી નાખીને ઘી ઓગળે ત્યાં સુધી ગરમ કરવું. નીચે ઉતારી થોડું ઠંડું થાય એટલે ચણાના લોટમાં મિક્સ કરી લોટને થપથપાવીને અડધા કલાક માટે એક બાજુએ મૂકી દો. અડધા કલાક બાદ ચાળણીથી ધાબો દીધેલો લોટ ચાળી લેવો.

માવાને બદલે મલાઈ લેવી હોય તો એને એક કઢાઈમાં ગરમ કરવી. જ્યાં સુધી એમાંથી ઘી અને માવો છૂટ્ટો થાય ત્યાં સુધી ગરમ કરવી. એક કઢાઈમાં ઘી લેવું, એમાંથી એક ચમચી ઘી બાજુએ રાખવું. કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ચાળેલો લોટ ઘીમાં ઉમેરો અને તવેથા વડે હલાવતાં રહો. લોટ અને ઘી મિક્સ થાય એટલે બાકી રાખેલું ઘી પણ ઉમેરી દો. લોટ હલાવતાં હલાવતાં જેવો હલકો થવા માંડે અને સુગંધ આવવા લાગે એટલે એમાં માવો ઉમેરી દો. મિશ્રણને સરખું મિક્સ કરીને નીચે ઉતારી લો. અને બીજા વાસણમાં કાઢી લો.

બીજી બાજુએ ચાસણી બનાવવા માટે કઢાઈમાં સાકર લો. સાકર ડૂબે એટલું પાણી નાખો. ધીમી આંચે ગરમ કરવા મૂકો. હવે એમાં કેસર ઉમેરી દો. જેવી સાકર ઓગળી જાય એટલે ગેસની આંચ ફાસ્ટ કરી દો. મિશ્રણમાં ચિકાશ આવવા માંડે એટલે ગેસની આંચ ફરીથી એકદમ ધીમી કરી દો. હવે ચાસણીનું એક ટીપું એક ડીશમાં રેડીને બે આંગળી વચ્ચે ચેક કરી લો. જો એક તાર નીકળે તો એમાં લોટનું મિશ્રણ રેડી દો. અને તવેથા વડે મિશ્રણને હલાવો. આ દરમ્યાન એલચી પાવડર પણ ઉમેરી દો. ફક્ત અડધી મિનિટ સુધી હલાવો અને તરત ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. અને અગાઉથી ઘી ચોપડેલી થાળીમાં મિશ્રણ રેડી દો. (મિશ્રણ ઘણું ગરમ હોવાથી સાવધાની પૂર્વક થાળીમાં રેડવું.) ઉપરથી બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દો. અને ઠંડું થવા મૂકી દો. ઠંડું થાય એટલે એના પીસ કરી લો.