લીલવા તુવેરની વાનગી

સામગ્રીઃ 2 કપ ચોખાનો લોટ (શેકેલો), ½ કપ જુવારનો લોટ (શેકેલો), 1 કપ લીલાં તુવેર દાણાં, 1 ½  ટી.સ્પૂન સફેદ તલ, ¼ ટી.સ્પૂન અજમો, ¼ ટી.સ્પૂન હિંગ, ¼ ટી.સ્પૂન હળદર, 1 ટી.સ્પૂન ગરમ મસાલો, 1 ટે.સ્પૂન ધાણાંજીરૂ પાવડર, 1 ટે.સ્પૂન લાલ મરચાં પાવડર, 2 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 2 ટે.સ્પૂન લીંબુનો રસ, 1 ટે.સ્પૂન ગોળ, 4-5 કળી લસણ ઝીણું સમારેલું, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે, કોથમીર ½ કપ ઝીણી સમારેલી.

રીતઃ તુવેર દાણાંને પાણીમાં થોડું મીઠું નાખીને બાફી લો.

એક ઊંડા વાસણમાં 2 ટે.સ્પૂન તેલ લઈ અજમા, તલ તેમજ હિંગનો વઘાર કરો. હવે એમાં લસણ તેમજ આદુ-મરચાંની પેસ્ટ સાંતડીને ગરમ મસાલો, મરચું તેમજ ધાણાંજીરૂ પાવડર નાખો. અડધી મિનિટ સાંતડીને 2-3 કપ પાણી ઉમેરો. પાણી થોડું ઉકળે એટલે એમાં ગોળ નાખો. ગોળ ઓગળે એટલે લીંબુનો રસ, બાફેલાં તુવેર દાણાં તેમજ બંને લોટ ધીમે ધીમે ઉમેરીને મિક્સ કરી દો, સાથે સમારેલી કોથમીર પણ ઉમેરી દો. મધ્યમ આંચે પાણી સૂકાવા દો.

પાણી સૂકાય એટલે એમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ ચપટો ગોળો વાળી જુઓ, જો ગોળો વળે તો મિશ્રણ ગેસ પરથી ઉતારી લો. મિશ્રણ થોડું થંડું થાય એટલે 1 થી 1 ½  ઈંચના ચપટાં ગોળા વાળી લો. અને થોડાં થોડાં કરીને બધાં ગોળા તેલમાં તળી લો. લીલી ચટણી તેમજ ટોમેટો સોસ સાથે તુવેરનાં વડા ઢેકરા પીરસો.