ગરમીમાં રાહત આપે કોકમ કઢી (સોલ કઢી)

કોકમ કઢી (Kokum Kadhi) મહારાષ્ટ્રીયન રસોઈમાં બનાવાતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ અને ઉનાળાની સખત ગરમી માટે શીતળ પેય પણ છે. ઉપરાંત શરીર માટે પાચક પણ છે.

નાળિયેરમાંથી દૂધ તૈયાર કરવાની સામગ્રીઃ 1 નાળિયેર ખમણેલું,  ½ કપ પાણી

રીતઃ ખમણેલું નાળિયેર મિક્સીમાં પાણી નાખીને બારીક પીસી લો. આ મિશ્રણને કોટનના બારીક કાપડમાં ગાળી લો. બચેલા નાળિયેરના કૂચામાં ફરીથી થોડું પાણી નાખીને મિક્સીમાં પીસીને ગાળી લો. આ રીતે કોપરાનું દૂધ તૈયાર થશે.

સોલ કઢી બનાવવા માટે સામગ્રીઃ 10-12 કોકમ 1 કપ પાણીમાં પલાળેલાં, 1–1½ કપ કોપરાનું દૂધ, મીઠું સ્વાદાનુસાર, 1 ટે.સ્પૂન કોથમીર ઝીણી સમારેલી
વઘાર માટેઃ 1 ટી.સ્પૂન રાઈ, 1 ટી.સ્પૂન જીરૂં, ચપટી હીંગ, થોડાં કઢી પત્તા, 4-5 લસણ છૂંદેલી, 2-3 સૂકાં કાશ્મીરી લાલ મરચાં, 1½ ટે.સ્પૂન તેલ

સોલ કઢી બનાવવાની રીતઃ કોકમને 1 કપ પાણીમાં અડધો કલાક સુધી પલાળી રાખો. પછી આ પાણી ગાળીને એમાં નાળિયેરનું દૂધ તેમજ મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ કરો.

હવે આ કઢીના વઘાર માટે તેલ ગરમ થાય એટલે રાઈ તેમજ જીરૂંનો વઘાર કરો. હીંગ તેમજ કઢીપત્તા નાખી છૂંદેલી લસણ તેમજ કાશ્મીરી મરચાં વઘારમાં નાખો.

કઢીનો વઘાર કરી ગેસ ઉપર કઢીને 1-2 મિનિટ માટે ગરમ કરી નીચે ઉતારી લો. સમારેલી કોથમીર કઢી પર ભભરાવો. આ કઢી ભાત સાથે સારી લાગે છે. અથવા જમ્યા પછી પાચક પીણાં તરીકે લઈ શકાય છે.