ગોળ કેરી

સામગ્રીઃ કાચી કેરી 1 કિલો, ગોળ કેરી માટેનો સંભારો 200 ગ્રામ, હળદર 1 ટી. સ્પૂન, ગોળ 1 કિલો, મીઠું 6 ટી.સ્પૂન, વરિયાળી 1 ટે.સ્પૂન, આખા ધાણાં શેકીને અધકચરા વાટેલાં 2 ટે.સ્પૂન,

મસાલા સામગ્રીઃ રાઈના કુરિયા 100 ગ્રામ, મેથીના કુરિયા 100 ગ્રામ, કાશ્મીરી મરચાં પાવડર 300 ગ્રામ, હીંગ 1 ટી. સ્પૂન , તેલ 1 કપ

મસાલા રીતઃ રાઈ તેમજ મેથીના કુરિયાને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો. તેલ ગરમ કરી ઠંડું થયા બાદ એમાં કુરિયા તેમજ બાકીની સામગ્રી મિક્સ કરી લો.

ગોળ કેરીની રીતઃ કેરીને ધોઈને 1 ઈંચના ટુકડામાં કટ કરી લો. એમાં હળદર તેમજ મીઠું મેળવીને 5-6 કલાક રહેવા દો. ત્યારબાદ એમાંનું પાણી કાઢીને કેરીને કપડા પર કોરી કરી દો. બહુ વધારે સૂકી ના કરવી. ત્યારબાદ એક તપેલીમાં કેરી લઈ એમાં ઝીણો સમારેલો ગોળ, શેકીને અધકચરા વાટેલાં ધાણાં, વરિયાળી, મસાલો તેમજ તેલ ઉમેરીને ચમચા વડે હળવેથી મિક્સ કરી લો. તપેલીને કોટન કાપડથી ઢાંકીને દોરીથી બાંધી લો. આ તપેલીને 6-8 દિવસ સુધી તડકામાં મૂકો. અને રોજ દિવસમાં બે વાર ચમચાથી અથાણાંને હલાવી મિક્સ કરો અને ફરીથી કાપડ બાંધી દો. ગોળ ઓગળે એટલે એર ટાઈટ જારમાં અથાણું ભરી લો.