બટેટા તેમજ ગુલકંદના ગુલાબજાંબુ

ફરાળી ગુલાબજાંબુ માટે સામગ્રીઃ બાફેલાં બટેટા 250 ગ્રામ, માવો – 100 ગ્રામ, આરારોટ – 50 ગ્રામ, થોડું દૂધ, ગુલાબજાંબુ તળવા માટે ઘી, તેમજ થોડો ગુલકંદ

ચાસણી માટે સામગ્રીઃ 2 કપ ખાંડ, 2 ½ કપ પાણી, 1 ચમચી એલચી પાવડર, થોડું કેસર, ગુલાબની પાંખડીઓ

રીતઃ ગુલાબજાંબુ માટે આપેલી સામગ્રીમાં ઘી અને ગુલકંદ સિવાયની બધી વસ્તુઓ લઈ થોડું દૂધ લઈ હળવે હાથે લીસો  લોટ બાંધો. લોટ બંધાય એટલે થોડો લોટ લઈ તેની થેપલી કરી એમાં થોડું ગુલકંદ ઉમેરીને એના ગોટી જેવા નાનાં ગોળા વાળો. આ જ રીતે બધાં ગોળા વાળવા. ત્યારબાદ કોટનનો પાતળો રૂમાલ પાણીમાં નિચોવીને બધાં ગોળા ઢંકાય એમ ઢાંકી દો. થોડી વાર પછી ઘીમાં ધીમે તાપે ગોળા તળી લો.

ચાસણી માટે એક તપેલામાં પાણી અને ખાંડ ભેગા કરી ગેસ પર ઉકળવા મૂકો. એક તારની ચાસણી તૈયાર થાય એટલે એલચીનો ભૂકો તેમજ થોડું કેસર અને ગુલાબની પાંખડીઓ ઉમેરી દો. ચાસણી મધ્યમ ઠંડી થાય એટલે ગુલાબજાંબુ એમાં ઉમેરી દો. અને એક કલાક રહેવા દો.