દરેક ગૃહિણીની રોજની એક મથામણ છે, ‘આજે કયું શાક બનાવું?’ તો ચાલો, ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બનાવી લો ઢોકળીનું શાક!!
સામગ્રીઃ
ઢોકળી માટેઃ
- 100 ગ્રામ ચણાનો લોટ
- મીઠું સ્વાદ પ્રમાણે
- ¼ ટી.સ્પૂન હળદર
- ચપટી હીંગ
- ½ ટી.સ્પૂન મરચાં પાવડર
- 1 ટી.સ્પૂન અજમો
- ચપટી મરી પાવડર
- ½ કપ દહીં
- પાણી
વઘાર માટેઃ
- 1 ટે.સ્પૂન ચણાનો લોટ
- 1 ટે.સ્પૂન તેલ
- 1 ટી.સ્પૂન જીરૂં
- ચપટી હીંગ
- ½ ટી.સ્પૂન ગરમ મસાલો
- 5-6 કળીપત્તાંના પાન
- 2 કપ છાશ
- 1 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
રીતઃ
સહુથી પહેલાં ઢોકળી બનાવી લેવી. એ માટે ચણાના લોટમાં મસાલો અને દહીં ઉમેરી. થોડું પાણી ઉમેરીને ઢોકળાના ખીરા જેવું ખીરું બનાવી લો. ઢોકળા બાફવાના વાસણમાં પાણી ઉકળવા મૂકો અને તેલ ચોપડેલી થાળી એમાં મૂકી દો. તેમજ એમાં ખીરૂં પણ રેડી દો. 10-15 મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ થાળી નીચે ઉતારી લો. અને ઢોકળા જેવાં પીસ કરીને એકબાજુએ મૂકી રાખો.
એક કઢાઈમાં વઘાર માટેનું તેલ ગરમ કરવા મૂકી, જીરાં નો વઘાર કરો. જીરૂ તતડે એટલે કળી-પત્તાં નાખો. હીંગ નાખો. અને છાશમાં ચણાનો લોટ મિક્સ કરીને હળવેથી રેડી દો. એમાં મીઠું તેમજ મસાલો ઉમેરીને 3-4 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ગરમ કરો. એક ઉભરો આવે એટલે એમાં ઢોકળી ઉમેરી દો અને 4-5 મિનિટ થવા દો. ત્યારબાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો. આ શાક ગરમાગરમ પીરસો.