ઘઉંના લોટના બિસ્કીટ

દિવાળીમાં તળેલા નાસ્તા ન ખાવા હોય તો ઘઉંના લોટના બિસ્કીટ બનાવવા એ સહેલો, ઈન્સ્ટન્ટ અને ડાયેટ માટેનો સરસ મઝાનો વિકલ્પ છે!  તે પણ ઓવન વિના! કઈ રીતે? તો જાણી લો રીત!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ – 1 કપ
  • ચણાનો લોટ – ½  કપ
  • મીઠું – 2-3 ચપટી જેટલું
  • એલચી પાવડર –  ½ ટી.સ્પૂન
  • દળેલી ખાંડ – 1/3 કપ
  • ઘી અથવા માખણ – 1/3 કપ
  • પિસ્તાની કાતરી – 1 ટે.સ્પૂન

રીતઃ ઘઉંનો તેમજ ચણાનો લોટ એક મોટા બાઉલમાં લઈ લો. તેમાં 2-3 ચપટી દળેલું મીઠું તેમજ દળેલી ખાંડ પણ ઉમેરીને લોટના આ મિશ્રણને એકસરખું મિક્સ કરી દો. હવે એમાં ઘી મિક્સ કરો. ધ્યાન રહે ઘી ઓગળેલું નથી લેવાનું. જો ઘી ઓગળેલું હોય તો થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો. ઘી વડે લોટ બાંધો. પાણી બિલકુલ નથી નાખવાનું. ઘી મિક્સ કર્યા બાદ લોટને મુઠ્ઠીમાં વાળી જુઓ. જો ગોલો વળે તો ઠીક છે. નહીંતર તેમાં હજુ બીજું ઘી ઉમેરો. બિસ્કીટ માટેનો લોટ રોટલીના લોટનો લૂવો વાળીએ તેવો બંધાવો જોઈએ.

એક થાળી લો, તેની ઉપર એલ્યુમિનિયમ ફોઈલ પેપર ટાઈટ પાથરીને લગાડી દો અને થાળીના કિનારેથી એને વાળી દો. જો ફોઈલ પેપર ના હોય તો બટર પેપર લઈ શકો. એ પણ ના હોય તો નોટબુકમાંથી પ્લેન પેપર લઈ આખા પેપર ઉપર તેલ લગાડી દો. પેપરની કોઈ કિનારી બાકી ના રહેવી જોઈએ. તેલ બરાબર લાગ્યું છે તે તપાસવું હોય તો તેલવાળા પેપરની નીચે મૂકેલી થાળી અથવા કોઈ વસ્તુ દેખાય તેવું પેપર ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. ફોઈલ પેપર વાપરવું હોય તો તેની ઉપર પણ તેલ ચોપડવું જોઈએ.

બિસ્કીટ વાળવા માટે તમે જોઈએ તે આકાર આપી શકો છો. 1 ઈંચ જેટલું મિશ્રણ હાથમાં લઈ તેને ગોળાકાર આપી શકો અથવા તેને તેલ ચોપડેલી થાળી અથવા વાટકીને ઉંધા ગોઠવી તેની પર બિસ્કીટને કોઈ પણ આકાર આપી શકો છો. બિસ્કીટની ઉપર ચપ્પૂ વડે કાપા પાડી ચેક્સમાં ડિઝાઈન પાડી શકો છો. હવે આ બિસ્કીટને ચપ્પૂ વડે ઉંચકીને તેલ ચોપડેલા ફોઈલ પેપરવાળી થાળીમાં છૂટાં છૂટાં ગોઠવતા જાઓ.

અડધી વાટકી જેટલું દૂધ લઈ તેમાં ખાંડ ઓગાળી દો. આ મિશ્રણમાં થોડું રૂ ભીંજવીને વાળેલા બિસ્કીટની ઉપર હળવે હળવે ચોપડી દો. ત્યારબાદ પિસ્તાની કાતરી ભભરાવી દો.

એક મોટી કઢાઈ લો જેમાં થાળી આવી જાય અને તેને ઢાંકી શકાય. તેમાં એક વાટકી જેટલું મીઠું પાથરીને એક કાંઠો મૂકો. મીઠું ના નાખવું હોય તો ફક્ત કાંઠો મૂકો. કાંઠો ના હોય તો પહોળી વાટકી મૂકો અને ઢાંકણ ઢાંકીને ગેસની મધ્યમ આંચે કઢાઈને પ્રિ-હીટ કરો. 10 મિનિટ બાદ ગેસની આંચ ધીમી કરીને હળવેથી એક કપડા વડે ઢાંકણ ખોલીને બિસ્કીટ વાળી થાળી અંદર ગોઠવીને તરત જ કઢાઈ ઢાંકી દો. ગેસની ધીમી આંચે બિસ્કીટ થવા દો. એકવાર કઢાઈ ઢાંક્યા બાદ 15 મિનિટ પછી જ બિસ્કીટને ચેક કરવા ઢાંકણ ખોલી શકો છો, એ પહેલા નહીં. 20-22 મિનિટ બાદ કઢાઈ ખોલીને જોઈ લો, જો બ્રાઉન કલર આવ્યો હોય તો ગેસ બંધ કરીને સાણસી અથવા કપડા વડે થાળીને હળવેથી પકડીને બિસ્કીટ કાઢી લો.