ઘઉંના લોટનો શીરો

ઘઉંના લોટમાં ગોળ નાખીને બનાવેલો શીરો ઘણો જ પૌષ્ટિક છે. ઉપરાંત માંદા તેમજ માંદગીમાંથી ઉભા થનાર લોકોને 1 થી 2 અઠવાડિયા સુધી રોજ સવારે નાસ્તામાં આ શીરો આપવામાં આવે તો તે શક્તિવર્ધક પણ છે. ઘઉંના લોટનો શીરો જલ્દી બની જાય છે અને બનાવવામાં પણ સહેલો છે.

સામગ્રીઃ

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ ઘી
  • ¾  થી 1 કપ ઝીણો સમારેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાવડર
  • બદામ-પિસ્તાની કાતરી
  • 2 કપ પાણી

રીતઃ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું. બીજા ગેસ પર કઢાઈ ગરમ કરવા મૂકવી. એમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ઘઉંનો લોટ ગુલાબી રંગનો શેકી લો.

લોટ શેકાઈ જાય એટલે એમાં સમારેલો ગોળ નાખીને હલાવો. ગોળ ઓગળવા આવે એટલે ગરમ થયેલું પાણી હળવેથી રેડી દો અને તુરંત મિશ્રણને તવેથા વડે સતત હલાવતા રહો. કેમ કે, એમાં ગાંઠા ના પડવા જોઈએ, સાથે જ એલચી પાવડર પણ ઉમેરી દો. મિશ્રણ એકસરખું મિક્સ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને કઢાઈ ઢાંકી દો.

થોડીવાર બાદ શીરામાંનું ઘી છુટ્ટૂં પડવા માંડે એટલે એના પર બદામ-પિસ્તાની કતરણ ભભરાવીને ગેસ બંધ કરી દો અને કઢાઈ નીચે ઉતારી લો. શીરો તૈયાર છે!