ઊંધિયું

બનાવો ચટાકેદાર ઊંધિયું; ઊંધિયાની સિઝન પૂરી થાય તે પહેલાં!

સામગ્રીઃ

4-5 નાના રીંગણા, 5-6 નાના બટેટા, 1 કપ સુરતી પાપડી, 1 કપ લીલા તુવેર દાણા, 1 કપ લીલા વટાણા, 300 ગ્રામ કંદ, 250 ગ્રામ શક્કરીયા, ચપટી ખાવાનો સોડા

 

લીલા મસાલા માટેની સામગ્રી

1 કપ ખમણેલું કોપરૂ, ½ કપ તલ, 1 ટે.સ્પૂન ધોઈને ખમણેલું આદુ, 7-8 લીલાં મરચાં ધોયેલા, 8-10 કળી લસણ, મીઠું સ્વાદ પ્રમાણે, 2 કપ કોથમીર ધોઈને સમારેલી, 2 ટી.સ્પૂન મરચાં પાવડર, 2 કપ લીલું લસણ ધોઈને સુધારેલું, 1 ટી.સ્પૂન ધાણા જીરૂ પાવડર, ¼ ટી.સ્પૂન હળદર, 1 ટી.સ્પૂન અજમો, 3 ટે.સ્પૂન તેલ વઘાર માટે, તેમજ તળવા માટે તેલ, 1 ટી.સ્પૂન ઉંધિયાનો મસાલો (ઉંધિયાના મસાલાની રીત જાણવા માટે ક્લિક કરોઃ (https://chitralekha.com/variety/cooking-tips/undhiyu-masala-powder/)

મુઠીયાની સામગ્રી

1 કપ ચણાનો લોટ, 1 કપ ઘઉંનો કરકરો (જાડો) લોટ, 2½ કપ ધોઈને સુધારેલી મેથીની ભાજી, 1 ટી.સ્પૂન આદુ-મરચાં પેસ્ટ, 1 ટી.સ્પૂન મરચાં પાવડર, ¼ ટી.સ્પૂન હળદર, ¼ ટી.સ્પૂન લીંબુનો રસ, ચપટી ખાવાનો સોડા, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી ખાંડ (optional), વઘાર માટે 1 ટે.સ્પૂન તેલ તેમજ તળવા માટે તેલ

મુઠીયાની રીતઃ ચણાનો તેમજ ઘઉંનો લોટ એક બાઉલમાં લો. એમાં ધોઈને સુધારેલી મેથીની ભાજી તેમજ 1 ટે.સ્પૂન તેલ સહિતની બાકીની સામગ્રી ઉમેરી દો. બધી સામગ્રી મિક્સ કરો અને થોડું પાણી ઉમેરીને મુઠીયા વાળો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને મુઠીયા તળીને એક બાજુએ મૂકી દો.

ઊંધિયું બનાવવાની રીત

સહુ પ્રથમ કોપરૂ, તલ, ખમણેલું આદુ, લીલાં મરચાં, લસણ, મીઠું, 2 કપમાંથી 1 કપ કોથમીર, 2 કપમાંથી 1 કપ લીલું લસણ લઈ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને આ લીલા મસાલાને એકબાજુ મૂકી રાખો.

રીંગણા તેમજ બટેટાને ધોઈને આખા રાખી ફક્ત એમાં ચાર કાપા પાડીને એમાં લીલો મસાલો ભરી દો. બીજા ગેસ ઉપર એક ફ્રાઈ પેનમાં થોડું તેલ નાખીને રીંગણા તેમજ બટેટા નાખી દો. અને કઢાઈ ઢાંકીને મધ્યમ આંચે શેલો ફ્રાઈ થવા દો. થોડી વારે ચેક કરીને જોઈ લેવું. ચઢી જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું

કંદ, શક્કરીયાને ધોઈને 1-1½ ઈંચના ટુકડા કરી લો. સુરતી પાપડી, તુવેર દાણા, લીલા વટાણાને ધોઈ લો.

એક મોટી કઢાઈમાં તેલ ગરમ થાય એટલે અજમો તેમજ હીંગનો વઘાર કરો. ત્યારબાદ એમાં બાકી રાખેલો લીલો મસાલો હળવેથી ઉમેરી દો સાથે ચપટી સોડા પણ ઉમેરી દો. તેમજ મરચાં પાવડર, હળદર, ધાણાજીરૂ મિક્સ કરીને લાંબા ઝારા વડે હલાવીને પાપડી, તુવેર દાણા, લીલા વટાણા, કંદ તેમજ શક્કરીયાના ટુકડા પણ એમાં ઉમેરીને મિક્સ કરી દો. કઢાઈ ઢાંકી દો. 1 કપ પાણી ઉમેરીને ગેસની ધીમી આંચે થવા દો.

થોડી થોડી વારે ચેક કરવું. પાપડી તેમજ કંદ અને શક્કરીયા ચઢી જાય એટલે ફ્રાઈ પેનમા ચઢી ગયેલા રીંગણા અને બટેટા એમાં ઉમેરી દો. છેલ્લે મુઠીયા તેમજ ઉંધિયાનો મસાલો (ગરમ મસાલો) અને બાકી રાખેલા 1 કપમાંથી ½ કપ કોથમીર તેમજ લીલું લસણ ઉમેરી દો અને ઝારા વડે હળવે હાથે હલાવીને કઢાઈ ઢાંકી દો. 10 મિનિટ સુધી ગેસની ધીમી આંચે થવા દો. અને ત્યારબાદ ગેસ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર તેમજ લીલું લસણ ભભરાવી દો.