ટોસ્ટ પુડીંગ

ઓચિંતા મહેમાન આવવાના હોય અને મીઠાઈ લેવા દૂર જવાનું હોય તો ટોસ્ટ પુડીંગ બનાવવું સહેલું થઈ રહેશે! જો કે, વાનગીની રીત વાંચીને તો અમસ્તુંય ઘરે બનાવવાનું મન થઈ જાય એવી છે આ પુડીંગની રેસિપી!

સામગ્રીઃ ટોસ્ટ બિસ્કીટ 20 નંગ, સાકર 1 કપ અને (બીજીવાર 4 ટી.સ્પૂન), ફુલ ફેટ દૂધ 3 કપ, કસ્ટર્ડ પાવડર અથવા કોર્નફ્લોર 3 ટે.સ્પૂન, બ્લેન્ડ કરેલી તાજી મલાઈ 1 કપ, ચાંદીનું વરખ 1, કાજુ, બદામ તેમજ પિસ્તા 2 ટે.સ્પૂન

રીતઃ 1 કપ સાકરમાં પાણી મિક્સ કરીને ગુલાબ જાંબુ માટે બનાવીએ તેવી પાતળી ચાસણી બનાવી લેવી.

એક કઢાઈમાં 2 કપ દૂધ ગરમ કરવા મૂકો. તેમાં 4 ટી.સ્પૂન સાકર ઉમેરીને દૂધને ઉકળવા દો. બીજા એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર ગઠ્ઠા ના પડે તે રીતે મેળવી રાખો.

કઢાઈમાં ગરમ કરવા રાખેલું દૂધ ઉકળવા લાગે એટલે કસ્ટર્ડ પાવડર મેળવેલું દૂધ તેમાં હળવે હળવે રેડતા જાઓ. બીજી બાજુએ એક ઝારા વડે તેને હલાવતા રહો. જેથી તેમાં ગઠ્ઠા ના પડે. 10 મિનિટ હલાવ્યા બાદ જો ચમચાની પાછલી બાજુએ દૂધની પાતળી લેયર જામવા લાગી હોય અને તે ઘટ્ટ થયું હોય તો તેમાં મલાઈ ઉમેરી દેવી. 10 મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરીને નીચે ઉતારી લો. આ મિશ્રણને જેરણી વડે હલાવો. જેથી તે સ્મૂધ પ્રવાહી બને. ત્યારબાદ તેને થોડું ઠંડું થવા દો.

એક ઉંડી ડીશ અથવા ટ્રે લઈ લો. તેમાં જેટલા ટોસ્ટ આવે તેટલા ગોઠવી દો. તે દરેક ટોસ્ટ ઉપર થોડી થોડી ચાસણી નાખી દો. ચાસણી થોડી ગરમ કરી લેવી. ત્યારબાદ દૂધનું મિશ્રણ પણ હલકું ગરમ કરી લઈ તેને પણ ટોસ્ટ પર ફેલાવી દો. હવે તેની ઉપર બીજી લેયર ટોસ્ટની બનાવી લો. ફરી ચાસણી તેમજ કસ્ટર્ડવાળું દૂધ રેડી દો. ટ્રેને પ્લાસ્ટીક રૅપથી પેક કરીને ફ્રીજમાં 1-1½ કલાક માટે મૂકી દો.

કાજુ તેમજ બદામને નાના ટુકડામાં કટ કરીને એક પેનમાં ½ ટે.સ્પૂન ઘી ગરમ કરીને તેમાં સાંતડી લેવા. પિસ્તાના ઝીણા ટુકડા કરી લેવા.

1 કલાક બાદ ટ્રે બહાર કાઢીને ઉપર કાજુ, બદામના ટુકડા તેમજ પિસ્તાનો ભૂકો ભભરાવી દો. ત્યારબાદ ચાંદીના વરખના નાના ટુકડા પણ સજાવી દો. ફરીથી ફ્રીજમાં 2-3 કલાક માટે મૂકી દો. પીરસતી વખતે તેના ચોરસ ટુકડા કરીને એક ડીશમાં પીરસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]