શાહી દમ આલુ

કોઈ પણ પ્રકારનો નાસ્તો કે શાક બનાવો, તેમાં જો બટેટા હોય તો તે સ્વાદિષ્ટ જ લાગે છે. ત્યારે દમ આલુનો શાહી પ્રકાર તો ઘણો જ સ્વાદિષ્ટ લાગશે!

સામગ્રીઃ

  • બાફેલા નાના બટેટા 10-12
  • કાંદો 1
  • દહીં ½ કપ
  • તમાલપત્ર 1
  • તજનો નાનકડો ટુકડો
  • લવિંગ 3-4
  • કાજૂ 8-10
  • લાલ મરચાં પાવડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરું 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લસણની 10 કળીઓ
  • ટમેટાં 2-3
  • ટમેટાંની પ્યૂરી ½ કપ
  • જીરું 1 ટી.સ્પૂન
  • મલાઈ 1 ટે.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • મોટી એલચી 2
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ધોઈને સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ બાફેલા નાના બટેટાને છોલીને કાંટા ચમચી વડે તેમાં કાણાં પાડી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને તેલમાં બાફેલા બટેટાને ગોલ્ડન રંગના તળી લો.

ટમેટાં, આદુ તેમજ કાંદાની લાંબી પાતળી ચીરી કરી લો. કઢાઈના ગરમ તેલમાં કાંદા, આદુ, ટમેટાં, લસણ, લવિંગ, કાજૂ, મોટી એલચી, તજનો ટુકડો તળીને એક પ્લેટમાં કાઢી લો. તેને ઠંડા કરીને તેમાં વરિયાળી ઉમેરીને મિક્સીમાં બારીક પીસી લો.

કઢાઈમાં વઘાર જેટલું તેલ રહેવા દઈ બાકીનું તેલ એક વાસણમાં કાઢી લેવું. કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં જીરું તેમજ તમાલપત્રનો વઘાર કરીને કાંદા, ટમેટાંની પેસ્ટ તેમાં સાંતડો. તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચાં પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખી બે-ત્રણ મિનિટ માટે સાંતડો. હવે તેમાં દહીં અને મલાઈ નાખીને 2 મિનિટ સાંતડીને 1-2 કપ જેટલું પાણી ઉમેરો. ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં તળેલાં બટેટા નાખીને કસૂરી મેથી ભભરાવીને 10 મિનિટ મધ્યમ ગેસની આંચે શાક થવા દો . ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંઘ કરીને શાક ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો.

આ શાક નાન અથવા પરોઠા કે રોટલી સાથે પીરસો.