તલ-ગોળ પેંડા

સંક્રાંત પર્વમાં તલના લાડુ તો આપણે બનાવીએ જ છીએ. પરંતુ એ જ તલ અને ગોળના પેંડા પણ બનાવી શકાય છે, જે સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ

  • સફેદ તલ 1 કપ
  • ઘી 2  ટે.સ્પૂન
  • દૂધ ½ કપ
  • મિલ્ક પાવડર 1 કપ
  • ખમણેલો ગોળ ½ કપ
  • એલચી પાવડર

રીતઃ એક પેન અથવા કઢાઈમાં ગેસની મધ્યમ અથવા ધીમી આંચે તલ તતડે ત્યાં સુધી શેકી લેવા.

તલ ઠંડા થયા બાદ તેને મિક્સીમાં કરકરો પાવડર દળી લેવો. તે માટે તલને મિક્સીમાં એકસરખા ના પીસતા એક-એક સેકન્ડ મિક્સીને અટકાવીને પીસવા જેથી તે કરકરા દળાશે.

એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી, દૂધ તથા મિલ્ક પાવડર એકરસ મેળવીને ગેસની ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. 2-3 મિનિટ બાદ તલનો પાવડર મેળવીને 5-6 મિનિટ માટે હલાવો. તેમાં ગઠ્ઠા ના થાય તેનું ધ્યાન રાખવું, જો ગઠ્ઠા થાય તો તવેથા વડે તોળીને ફરીથી મિક્સ કરી લો.

5-10 મિનિટ બાદ તેમાં ગોળ મેળવી લો. ગોળ ઓગળે એટલે ફરીથી 2 મિનિટ માટે ગેસ પર રાખીને એલચી પાવડર મેળવીને ગેસ બંધ કરીને કઢાઈ ઉતારીને 2-3 મિનિટ માટે ઢાંકી રાખો. મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેના પેંડા વાળી લો.