તલના લાડુ

શિયાળાની ઋતુ સાથે તલ પણ આવી ગયા છે! તબિયત સુધારવા માટે તલના ગુણ ગાઓ તેટલા ઓછા છે. તલનું નામ લેતાં સહુથી પહેલા લાડુ જ યાદ આવી જાય! તલના લાડુ બનાવવા ઘણા સહેલા પણ છે!

સામગ્રીઃ 100 ગ્રામ સફેદ તલ, 75 ગ્રામ ગોળ, 1 ટે.સ્પૂન ઘી

રીતઃ તલને વીણી લો. ગોળને ઝીણો સમારી લો.

એક કઢાઈમાં તલને સોનેરી શેકી લો. તલ શેકતી વખતે તલ ફુટવા લાગે એટલે ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારીને તલને થાળીમાં કાઢી લો. તલને ઠંડા થવા દો.

હવે ગેસ પર કઢાઈ મૂકીને તેમાં 1 ટે.સ્પૂન ઘી ગરમ કરો અને તેમાં ગોળ નાખીને 1 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં ½ કપ પાણી રેડીને ગોળને પીઘળવા દો. ગોળની ચાસણી સરખી થઈ છે તે ચેક કરવા માટે એક ઠંડા પાણીની વાટકી લો. તેમાં ચમચી વડે ચાસણીનું ટીપું પાડો. જો એ બોલની જેમ ગોળાકાર થઈ જાય તો ચાસણી તૈયાર છે. હવે ગેસ બંધ કરી દો.

ચાસણીમાં તલ મિક્સ કરી લો અને મિશ્રણ જરા ઠંડુ થાય એટલે એક વાટકીમાં સાદું પાણી લઈને હાથ પાણીવાળા કરીને તલના મિશ્રણમાંથી ગોલા વાળીને લાડુ બનાવી લો. તમે હાથ પર ઘી ચોપડીને પણ લાડુ વાળી શકો છો.

આ લાડુ એક ડબ્બામાં ભરી લો, એને ફ્રીજમાં રાખવાની જરૂર નથી. બહાર પણ 8-10 દિવસ સુધી સારા રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]