સમોસા પિનવ્હીલ્સ્

સમોસા બનાવવા છે... પણ સમોસાની પટ્ટી વાળવાનો કંટાળો આવે છે. તો એ જ સમોસાનો ટેસ્ટ મેળવો! જરા જુદી રીતે…પણ સહેલાઈથી અને ઝડપથી પિનવ્હીલ્સ્ બનાવીને!!!  આ રોલ બનાવીને રાખો તો બે દિવસ સુધી સારાં રહે છે.

સામગ્રીઃ 4 નાની સાઈઝના બટેટા, મીઠું સ્વાદાનુસાર, ½ ટે.સ્પૂન મરચાં પાવડર, ¼ ટી.સ્પૂન હળદર, ½ ટી.સ્પૂન જીરૂ, ચપટી હિંગ, ½ ટે.સ્પૂન ધાણા પાવડર ½ ટી.સ્પૂન જીરૂ પાવડર શેકેલો, ½ ટી.સ્પૂન ગરમ મસાલો, 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 2 ટે.સ્પૂન કોથમીર ઝીણી સમારેલી, 3 ટે.સ્પૂન મેંદો, ½ ટી.સ્પૂન આમચૂર પાવડર

પડ માટેઃ 1 કપ મેંદો, મીઠું સ્વાદાનુસાર, ¼ ટી.સ્પૂન અજમો, મોણ માટે 3 ટે.સ્પૂન તેલ

રીતઃ મેંદામાં તેલ, મીઠું, તેમજ અજમો હાથેથી મસળીને નાખવો જેથી સુગંધ સરસ આવશે. બધી સામગ્રી મિક્સ કરીને. થોડું થોડું પાણી ઉમેરીને બહુ કડક નહીં કે બહુ ઢીલો નહીં એવો લોટ બાંધી દો. આ લોટને ઢાંકીને 15 મિનિટ માટે એકબાજુએ મૂકી દો.

બટેટાને ધોઈને કુકરમાં પાણી નાખીને વાસણમાં બાફવા મૂકો. કુકરની ત્રણ સિટી થવા દેવી. ત્યારબાદ કુકર અડધો કલાક પછી ખોલવું. એક વાસણમાં બટેટાને છોલીને બારીક છૂંદો કરી લો. એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. તેમજ બાકીની સામગ્રી (3 ટે.સ્પૂન મેંદા સિવાયની) ઉમેરીને મિક્સ કરીને એકબાજુએ મૂકી દો.

એક નાના બાઉલમાં 3 ટે.સ્પૂન મેંદો તેમજ ચપટી મીઠું ઉમેરી દો. અને થોડું થોડું પાણી ઉમેરીને પાતળી પેસ્ટ બનાવી લો.

પડ માટે બાંધેલો લોટ ફરી એકવાર થોડો કુણી લો. લોટના બે ભાગ કરો. તેમજ બટેટાના મિશ્રણના પણ બે ભાગ કરી લો. લોટનો એક ભાગ લઈ એને વેલણથી ગોળ અથવા લંબચોરસ રોટલો વણી લો. રોટલી જેટલી જાડાઈ રાખવી. મેંદાની વણેલી રોટલી ઉપર બટેટાના પુરણમાંથી એક ભાગ લઈ એકસરખું થાપીને, ફેલાવીને લગાડી દો. એક છેડેથી રોટલીને બટેટાના પૂરણ સાથે રોલ વાળો (પાતરા વાળીએ એ રીતે). અને છેડા ઉપર મેંદાની પેસ્ટ લગાડી રોલને પેક કરી લો.

આ રોલના અડધા ઈંચના કટકા કરી લો. બધા રોલ તૈયાર થાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. અને રોલને મેંદાની પેસ્ટમાં બોળીને તેલમાં તળી લો. પહેલાં ગેસની આંચ ફાસ્ટ રાખવી. રોલ નાખ્યા બાદ મધ્યમ ધીમી કરવી. રોલ ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે કાઢી લેવા.

ખાટી-મીઠી ચટણી, કોથમીરની ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે આ રોલ પીરસવા