સાબુદાણાના લાડુ

સાબુદાણાની દરેક ફરાળી વાનગી ભાવે તેવી છે. જેમ કે, સાબુદાણા વડા, સાબુદાણા ખિચડી, સાબુદાણાની સેવ વગેરે! સાબુદાણાના લાડુ કેવા લાગે છે ? જાણવા માટે, બનાવી જુઓ આ લાડુ!


સામગ્રીઃ

  • 1 કપ સાબુદાણા
  • ¾ કપ નાળિયેરનું ખમણ
  • ½ કપ દળેલી ખાંડ (તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો)
  • 6-7 ટે.સ્પૂન ઘી
  • 8-10 કાજુ અથવા બદામના બારીક ટુકડા
  • ¼ ટી.સ્પૂન એલચી પાવડર
  • ¼ ટી.સ્પૂન જાયફળ પાવડર.


રીતઃ સાબુદાણાને કઢાઈમાં ગેસની ધીમી આંચે હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો. લગભગ 30 મિનિટ જેટલા સમયમાં સાબુદાણા શેકાઈ જશે. સાબુદાણાને એક થાળીમાં ઠંડા કરવા મૂકો. ત્યારબાદ એ જ કઢાઈમાં નાળિયેરનું ખમણ 2-3 મિનિટ સુધી શેકીને બીજા વાસણમાં કાઢી લો.

સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સીમાં તેનો બારીક પાવડર કરી લો. આ પાવડર એક મોટી થાળીમાં કાઢી લો. તેમાં નાળિયેરનું ખમણ તેમજ એલચી, જાયફળનો પાવડર પણ મિક્સ કરી લો.

કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ અથવા બદામના ટુકડા સોનેરી રંગના તળી લો. ગેસ બંધ કરીને ઘી તેમજ કાજુને સાબુદાણાના મિશ્રણમાં નાખી દો. ઘી થોડું ઠંડું થાય એટલે તેને એકસરખું મિક્સ કરીને લાડુ વાળી લો.

આ લાડુ એરટાઈટ જારમાં ભરી લો. તમે એને ફ્રીજમાં પણ એક અઠવાડિયા સુધી રાખી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]