ચોખાની પુરી

વેકેશનમાં આખો દિવસ ઘરમાં રહેતાં બાળકોને ભૂખ લાગે, સાથે સાથે નાસ્તામાં વેરાયટી પણ જોઈએ. ચોખાની પુરી જો સવારે બનાવી હોય તો તે સાંજે પણ ફ્રેશ બનાવી હોય તેવી લાગે છે. ઉપરાંત પ્રવાસમાં પણ લઈ જઈ શકાય છે.

સામગ્રીઃ

 • ચોખાનો લોટ ½ કપ
 • પાણી 1 કપ
 • અજમો ½ ટી.સ્પૂન
 • સફેદ તલ 1 ટી.સ્પૂન
 • જીરૂ 1 ટી.સ્પૂન
 • તેલ 1 ટી.સ્પૂન
 • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટી.સ્પૂન,
 • કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ
 • કોથમીર ધોઈને સુધારેલી 2 ટે.સ્પૂન
 • પુરી તળવા માટે તેલ

રીતઃ એક જાડી તળિયાવાળી કઢાઈમાં એક કપ પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં અજમો, તલ, જીરૂ, તેલ, મીઠું સ્વાદ મુજબ, આદુ-મરચાં-લસણની પેસ્ટ તેમજ સમારેલી કોથમીર પણ ઉમેરી દો. પાણી ઉકળવા માંડે એટલે તેમાં ½ કપ ચોખાનો લોટ મેળવીને તવેથા વડે હલાવતાં રહો. જ્યાં સુધી લોટ બંધાઈને ઘટ્ટ થઈ જાય એટલે કે, 5 મિનિટ જેટલા સમયમાં આ લોટ તૈયાર થઈ જશે. તેમાંથી થોડો લોટ લઈ ગોળો વાળી જુઓ. જો વળે તો લોટ તૈયાર છે. હવે ગેસ બંધ કરી દો. લોટને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દો. (લસણ ના ખાવું હોય તો skip કરી દો)

પાંચ મિનિટ બાદ લોટને લઈ તેમાં 1 ટી.સ્પૂન તેલનું મોણ આપીને લોટને કુણી લો. હવે તેમાંથી ગોલા વાળીને પુરી વણી લો. મધ્યમ જાડી પુરી વણી લો. જો કિનારી વાંકીચૂકી હોય તો એક વાટકી વડે પુરીને ગોળ આકાર આપી દો. પુરીને વણતી વખતે અટામણમાં ઘઉંનો લોટ અથવા મેંદો લઈ શકાય છે. અથવા પાટલા ઉપર પ્લાસ્ટીક મૂકીને તેની ઉપર લૂવો મૂકીને પણ વણી શકાય છે.

ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પુરી તળી લો.

આ પુરી ચા સાથે અથવા દહીં સાથે પણ સારી લાગશે.