રવા-બટેટાની સેન્ડવિચ

દિવાળીમાં તળેલા નાસ્તા ખાઈને થોડો કંટાળો આવવા લાગ્યો છે. તો ચટપટી અને શેલો ફ્રાય કરેલી રવા-બટેટાની સેન્ડવિચ બનાવી લો!

સામગ્રીઃ

 • રવો 1 કપ
 • દહીં ½ કપ
 • 1 સિમલા મરચું
 • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ
 • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
 • બેકીંગ સોડા (ખાવાનો સોડા) ¼ ટી.સ્પૂન
 • તેલ ટે.સ્પૂન,
 • રાઈ ½ ટી.સ્પૂન
 • 4 મધ્યમ કદના બાફેલા બટેટા
 • નાનો કાંદો
 • 2-3 લીલા મરચાં ઝીણા સમારેલા
 • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
 • ચિલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
 • અધકચરા વાટેલા કાળા મરી ½ ટી.સ્પૂન
 • બી કાઢીને ઝીણા ચોરસ સમારેલા પાકાં લાલ ટામેટાં 2
 • ટોમેટો કેચઅપ 2 ટે.સ્પૂન

રીતઃ સિમલા મરચાંને ઝીણા સમારી લેવા. એક બાઉલમાં રવો તેમજ દહીં મિક્સ કરો. તેમાં સમારેલા સિમલા મરચાં, ચિલી ફ્લેક્સ તેમજ સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને ઈડલીના ખીરા જેવું ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. આ ખીરાને 15-20 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો અને ઝીણો સમારેલો કાંદો તેમાં સાંતડો. સાથે સમારેલા લીલા મરચાં, હળદર પાવડર, કાળા મરી પાવડર, ચિલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું અને બાફેલા બટેટાની છીણ ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોથમીર અને સમારેલાં ટામેટાં પણ મિક્સ કરી દો. 1 મિનિટ બાદ ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડું થવા દો.

15-20 મિનિટ બાદ ખીરામાં ખાવાનો સોડા ઉમેરીને હલાવી લો. એક થાળી અથવા કેક ટીનને તેલ ચોપડીને આ ખીરું તેમાં નાખીને ઢોકડા બાફીએ તે રીતે 15-20 મિનિટ સુધી બાફી દો. મિશ્રણ ઠંડું થાય એટલે તેના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કરી લો.

રવાના મિશ્રણમાંથી એક એક ટુકડો લઈ તેના પર ટોમેટો કેચ-અપ ચોપડી દો. (ટોમેટો કેચ-અપને બદલે લીલી અથવા ખાટી-મીઠી લાલ ચટણી પણ લઈ શકાય છે). ત્યારબાદ આ બે ટુકડાની વચ્ચે બટેટાનું પુરણ મૂકીને સેટ કરી લો. આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી ગેસની આંચ મધ્યમ કરી લો અને તૈયાર કરેલી સેન્ડવિચને બંને બાજુએથી ગોલ્ડન રંગની શેલો ફ્રાય કરીને ગરમાગરમ પીરસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]