રાજસ્થાની મીઠાઈ સાંકલી (ખાજા)

 

દિવાળી સ્પેશ્યલ રેસિપી

Reena Mohnot

જોધપુર જાણીતું છે ઘીમાં બનતી એની દરેક વાનગી માટે! અપવાદ કે ફક્ત આ જ એક મીઠાઈ સાંકલી (ખાજા) તેલમાં બને છે!

દિવાળીની રાજસ્થાની મીઠાઈ સાંકલી (ગળ્યા ખાજા) ખાઈને હું મોટી થઈ છું! આ ખાજા દિવાળીમાં ખાસ બનાવવામાં આવે છે અને તે તેલમાં બને છે! મને આ વાતની ત્યાંસુધી ખબર નહોતી, જ્યાં સુધી મેં એ મીઠાઈ બનાવવાની શરૂઆત ન કરી. મારાં ભાભી પાસેથી મેં જ્યારે જાણ્યું કે, આ મીઠાઈ તેલમાં જ બને છે. ત્યારે મને સંદેહ સાથે આશ્ચર્ય થયું હતું! પણ એક વાત પાક્કી કે, વાનગી અને તેના સ્વાદની વાત હોય તો જોધપુરીઓ તેમનાથી બનતું શ્રેષ્ઠ કરી જાણે છે. ખરેખર, તમે વિશ્વાસ કરજો કે, આ મીઠાઈ તેલમાં જ બહુ સ્વાદિષ્ટ બને છે! તેમાં રહેલાં તલ, ગોળ અને તેલ મળીને જે સ્વાદ બને છે. તે ખરેખર, મંત્રમુગ્ધ કરનારો છે!

સામગ્રીઃ મેંદો 1 કપ, ગોળનો પાવડર 1 કપ, તલ 2 ટે.સ્પૂન, મોણ માટે તેલ 4 ટે.સ્પૂન, ચપટી મીઠું, પાણી ¼ કપ, તળવા માટે તેલ

રીતઃ એક પેનમાં ¼ કપ પાણી તેમજ ગોળનો પાવડર મેળવી પેનને ગરમ કરવા મૂકો. ગોળ ઓગળે એટલે તરત ગેસ બંધ કરી દો. ઉકાળવાનું નથી.

એક બાઉલમાં મેંદો લઈ તેમાં તલ, ચપટી મીઠું તથા 4 ટે.સ્પૂન તેલ નાખીને મિક્સ કરો. ગોળનું પાણી હૂંફાળું ઠંડું કરી લો. આ પાણી તેમાં થોડું થોડું ઉમેરતાં જઈ મધ્યમ કડક લોટ બાંધો. લોટ બહુ કડક ના હોવો જોઈએ. લોટને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. ત્યારબાદ તેમાંથી નાના લૂવા કરી લઈ પૂરી વણી લો. પૂરી પર કાંટા ચમચી વડે કાંણા પાડી લો. પૂરીની કિનારીઓ ક્યારેય એકસરખી ગોળ નહીં બનશે. મારાં દાદીમા કહેતાં કે, સારાં ખાજા/મઠરી/સાંકલીની કિનાર હંમેશા અસમાન જ હોવી જોઈએ.

બધી મઠરી વણાઈ જાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને બધી મઠરી ગોલ્ડન બ્રાઉન રંગની તળી લો. મેં તળેલી મઠરી આપેલ ફોટોમાં થોડી વધુ પડતી ડાર્ક થઈ છે, કારણ કે, મેં તેમાં દેશી ગોળ વાપર્યો છે. તમે પ્રોસેસ્ડ ગોળ વાપરશો તો રંગ હલકો રહેશે. જો જો, સાંકલી તળતી વખતે તમારું રસોડું તલ અને ગોળની સોડમથી મઘમઘી ઉઠશે. હું તો સાંકલી તળતી વખતે જ 4-5 સાંકલી ખાઈ જાઉં છું.

તો આ દિવાળીએ તમારા પરિવાર માટે બનાવી લો ખાસ રાજસ્થાની સ્પેશ્યલ મઠરી. Enjoy!

નોંધઃ જ્યારે સાંકલી તળીને બહાર કાઢો. ત્યારે તે નરમ હશે! પણ થોડીવાર બાદ તે કડક ક્રિસ્પી થઈ જશે. એટલે જેવી તે ગોલ્ડન બ્રાઉન તળાઈ જાય કે તરત જ તેલમાંથી બહાર કાઢી લેવી.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)