રાજસ્થાની કોરમા પરાઠા

રાજસ્થાની કોરમા પરાઠા એ રાજસ્થાનની સૌથી પ્રાચીન જાણીતી વાનગી છે. જે બહુ જ પૌષ્ટિક તો છે સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે!

સામગ્રીઃ

 • આખા મગ ½ કપ
 • લીલા કાંદા પાન સહિત (ધોઈને સમારેલાં) ½ કપ
 • લીલા મરચાં 2
 • હીંગ ¼ ટી.સ્પૂન
 • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
 • ગરમ મસાલો ¼ ટી.સ્પૂન
 • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
 • જીરુ ½ ટી.સ્પૂન
 • આદુ-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
 • ઘઉંનો લોટ 1 કપ
 • તેલ પરાઠા શેકવા માટે

રીતઃ મગને મિક્સીમાં કરકરા પીસી લેવા. આ મગના પાવડરને 2-3 પાણીએથી ધોઈ લેવા. જેથી તેમાંના ફોતરા પણ પાણી સાથે નીકળી જાય. હવે દળેલા મગનો પાઉડર ડૂબે તેટલું પાણી તેમાં રાખવું.  આ પલાળેલા મગનો પાવડર અડધો કલાક રહેવા દો. ત્યારબાદ જોશો કે પલાળેલા મગનો લોટ ફૂલી ગયો છે.

પલાળેલા મગના લોટમાં સમારેલો લીલો કાંદો, લીલા મરચાં, હીંગ, ગરમ મસાલો, હળદર, મરચાં પાવડર, જીરુ તેમજ આદુ-લસણની પેસ્ટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. હવે ઘઉંનો લોટ તેમાં ઉમેરીને પાણી ઉમેર્યા વગર કણક બાંધી લો અને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. 15 મિનિટ બાદ તેમાં 1 ટી. સ્પૂન તેલ ચોપડીને થોડો કુણી લો.

આ લોટમાંથી લૂવો લઈ પરાઠું વણી લો. ગેસની મધ્યમ આંચ પર તવો ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ½ ટી.સ્પૂન તેલ રેડી તેની ઉપર પરાઠું શેકાવા મૂકો. ½ મિનિટ સુધી શેકાયા બાદ પરાઠું ઉથલાવો અને ફરીથી ½ ટી.સ્પૂન તેલ ફરતે રેડો. તેલનું પ્રમાણ ઓછું લઈ શકાય છે.

આ ગરમા ગરમ પરાઠા દહીં, ટોમેટો કેચ-અપ અથવા ખજૂર-આમલીની ગળી ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે.