પુરણપોળી

પુરણપોળી જમતી વખતે ગરમાગરમ ખાવી ગમે છે. એને બનાવવામાં બહુ વાર પણ નથી લાગતી. તો પીરસી દો પુરણપોળી ઘીમાં ઝબોળી!

સામગ્રીઃ

  • 1 કપ તુવેર દાળ
  • 1 થી 1 ½ કપ પાણી
  • 2 ટે.સ્પૂન તેલ, ½ કપ ખાંડ
  • ½ કપ ગોળ
  • 2 ટે.સ્પૂન ઘી
  • 1 ટે.સ્પૂન એલચી-જાયફળ વાટેલાં
  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ટે.સ્પૂન તેલ
  • થોડાં કેસરના તાંતણા
  • ઘી (પુરણ પોળી શેકવા માટે)

રીતઃ તુવેર દાળને બેથી ત્રણ પાણીએથી ધોઈને 1 કલાક માટે પલાળી રાખો. હવે દાળમાં 1 થી 1 ½ કપ પાણી ઉમેરીને કૂકરમાં છૂટ્ટી બાફવા માટે મૂકી દો. 3 વ્હીસલ થવા દો.

બીજી બાજુએ ઘઉંનો લોટ લો. એમાં 2 ટે.સ્પૂન તેલનું મોણ નાખો. અને પાણી વડે નરમ લોટ બાંધીને એકબાજુ રાખી મૂકો. એક વાટકીમાં કેસરને 2 ટી.સ્પૂન પાણીમાં પલાળી દો.

ત્રણ વ્હીસલ બાદ ગેસ બંધ કરીને કૂકર નીચે ઉતારી લો. દાળ થોડી ઠંડી થાય એટલે ચમચા વડે અથવા પાઉંભાજી સ્મેશર વડે કૂકરમાં જ વાટી લો. એમાં ગોળ મિક્સ કરી લો.

એક નોન સ્ટીક વાસણમાં 2 ટે.સ્પૂન ઘી તેમજ પુરણ નાખી ગેસ ઉપર મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. એમાં ખાંડ ઉમેરીને હળવે હાથે હલાવતાં રહો. પલાળેલું કેસરનું પાણી તેમજ એલચી-જાયફળનો પાવડર પણ ઉમેરી દો. સતત હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે  એમાંથી ¼ ટી.સ્પૂન પુરણ એક નાની ડિશમાં લો. જરા ઠંડું થાય એટલે એનો ગોલો વાળી જુઓ. જો ગોલો વળે તો પુરણ તૈયાર છે. હવે પુરણ નીચે ઉતારીને ઠંડું થવા મૂકો. ઠંડું થયા બાદ એના ગોલા વાળી લો.

એક નોન સ્ટીક તવો મધ્યમ આંચ ઉપર ગરમ કરવા મૂકો. બાંધેલા લોટને થોડું મોણ નાખીને કુણી લો. એમાંથી રોટલી માટે એક લૂવો લઈ અને મધ્યમ આકારની રોટલી વણો. એમાં પુરણનો એક ગોલો મૂકીને ચારે બાજુથી પેક કરી લો. પેક કરેલી સાઈડ નીચે તરફ રાખીને હળવે હાથે પુરણપોળી વણી લો. તવા ઉપર પેક કરેલી સાઈડ નીચે તરફ આવે એ રીતે પોળી નાખો. થોડાં બબલ્સ આવે એટલે ઉથલાવી દો. થોડીવાર બાદ એની ઉપરની સાઈડ પર ઘી લગાડીને ઉથલાવીને ઝારા વડે પુરણપોળીને હલકાં હાથે દાબીને શેકી લો. નીચે ઉતારીને ફરીથી ઘી ચોપડી લો. (ઘી વધુ ન ખાવું હોય તો બીજીવાર ન લગાડવું) આ જ રીતે બધી પુરણપોળી શેકી લો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]